ગાંધીનગરનાં અર્બન હેલ્થ સેન્ટરમાં ટીબીના શંકાસ્પદ ૧પ૦ દર્દી મળ્યાં
(એજન્સી)અમદાવાદ, ટીબી નાબૂદી અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને બીનચેપી રોગો થયેલા દર્દીઓના સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં ટીબીના શંકાસ્પદ ૧પ૦ દર્દીઓ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે
જ્યારે અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં પણ આ કામગીરીનો રિપોર્ટ આવે ત્યારે ચોંકાવનારો આંક સામે આવી શકે છે. ટીબીના શંકાસ્પદ ૪૦ દર્દીઓના એકસ-રે પણ પાડવામાં આવ્યા હતા સાથે જ ટીબીના દર્દીઓને શોધવાની સ્ક્રીનિંગની કામગીરી દિલ્હીની ટીમની હાજરીમાં કરવામાં આવી હતી. આ ટીમ અન્ય જિલ્લામાં પણ કામગીરી હાથ ધરશે.
વડાપ્રધાન દ્વારા આગાહી વર્ષ ર૦રપ સુધીમાં સમગ્ર દેશને ટીબીમુક્ત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે દિલ્હીના આરોગ્ય વિભાગની ટીબી શાખાના નિષ્ણાંતો દ્વારા દેશભરના વિવિધ રાજ્યમાં ટીબી નાબૂદી અભિયાનની કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેનું રૂબરૂ નિરીક્ષણ કરવા માટે દિલ્હીની ટીમ રાજ્ય મહાનગરપાલિકા વિસ્તારની મુલાકાત કરી રહી છે
અને તેમાં આરોગ્ય વિભાગ દ્વારા બિનચેપી રોગનો ભોગ બનેલા હોય અને દર્દીઓની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તેવા દર્દીઓના સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમાં ટીબીના શંકાસ્પદ કેસ મળી રહ્યા છે. આવા શંકાસ્પદ ટીબીના દર્દીઓના એકસ-રે પણ પાડવામાં આવી રહ્યા છે.
ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરમાં નિદાન અને સારવાર માટે આવેલા દર્દીઓને ટીબીની બીમારી કેવી રીતે ફેલાય છે. વધુમાં ટીબીની બીમારીથી કેવી રીતે બચી શકાય તેમજ ટીબીની બીમારીનો ભોગ બનેલી વ્યક્તિ નિયમિત દવા લે તો ટીબીની બીમારીમાંથી મુક્ત થઈને સાજી થાય છે તે સહિતની જાણકારી આપવામાં આવી રહી છે.