ગાંધીનગરમાં વિધાનસભાના બીજા માળેથી સફાઈકર્મી મહિલા પટકાઈ

(પ્રતિનિધિ)ગાંધીનગર, ગાંધીનગર વિધાનસભાનાં બીજા માળે ડક સાફ સફાઈ કરતી વેળાએ પગ લપસી જતાં ૩૭ વર્ષીય મહિલા સફાઈ કામદાર નીચે પટકાઈ હતી. જેનાં કારણે મહિલાને ગંભીર ઈજાઓ થતાં બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાનાં બીજા માળેથી એક મહિલા સફાઈ કામદાર પણ નીચે પટકાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેની હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાનાં બીજા માળે મહેસાણા પીલોદરા ખાતે રહેતી ૩૭ વર્ષીય સફાઈ કામદાર કાંતાબેન પરમાર ડક ની સાફ સફાઈ કરી રહ્યા હતા. એ દરમ્યાન અચાનક કાંતાબેનનો પગ લપસી જતાં તે બીજા માળેથી ધડાકાભેર નીચે પટકાયા હતા.
આ બનાવના પગલે અન્ય સફાઈ કામદારો તેમજ વિધાનસભાનાં કર્મચારીઓ પણ દોડી ગયા હતા. વિધાનસભાનાં બીજા માળેથી નીચે પટકાવાથી કાંતાબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેમને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં ફરજ પરના તબીબે કાંતાબેનની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ બનાવના પગલે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો દોર શરૂ કરી દીધો છે.