ગાંધીનગર ખાતે વિવિધ વિભાગના કર્મચારીઓ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઇ સંકલ્પબદ્ધ થયા
માહિતી નિયામક કચેરી ખાતે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીની આગેવાની હેઠળ અધિકારી-કર્મચારીઓએ પ્રતિજ્ઞા લઇ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ, વન અને પર્યાવરણ વિભાગમાં અગ્ર સચિવ શ્રી સંજીવકુમારે અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી વિભાગમાં અગ્ર સચિવ શ્રી મોના ખંધારે કર્મયોગીઓ સાથે મળી પ્રતિજ્ઞા લીધી
ગાંધીનગર, ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર-૨૦૦૧ના રોજ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને ગુજરાતની સાથે વિકસિત ભારત યાત્રાની સોનેરી કેડી કંડારી હતી. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે.
વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સિદ્ધ કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા માટે આજે સચિવાલય-ગાંધીનગર ખાતે વિવિધ વિભાગોના વડાઓની આગેવાની હેઠળ અધિકારી-કર્મચારીઓ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી હતી. જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, વન અને પર્યાવરણ વિભાગમાં અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર તેમજ વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી વિભાગમાં અગ્ર સચિવ શ્રી મોના ખંધારની અધ્યક્ષતામાં વિભાગના સૌ અધિકારી-કર્મચારીઓ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કરી સંકલ્પબદ્ધ થયા હતા.
આ ઉપરાંત ડૉ. જીવરાજ મહેતા ભવન-ગાંધીનગર ખાતે સ્થિત માહિતી નિયામક કચેરીમાં પણ આજે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ તેમજ સંયુક્ત માહિતી નિયામક શ્રી જી. એફ. પાંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કચેરીના સૌ અધિકારી-કર્મચારીઓએ સાથે મળીને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
વધુમાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, સહકાર અને પશુપાલન વિભાગ, આરોગ્ય કમિશનરની કચેરી, મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી, પશુપાલન નિયામકની કચેરી, સમાજ કલ્યાણ પ્રભાગ, અનુસૂચિત જાતિ પ્રભાગ, પ્રવાસન નિગમ, યાત્રાધામ વિકાસ બોર્ડ, PGVCL-UGVCL, ગુજસેઈલ તેમજ કામધેનું યુનિવર્સિટી સહિતની કચેરીઓ સહિત વિવિધ વિભાગો અને કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારી – કર્મચારીઓએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.