નવસારીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ઝડપાઈઃ 15 ગુનાનો ભેદ ઉકેલાયો
(એજન્સી)નવસારી, શિયાળાની શરૂઆતની સાથે ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધી જતા હોય છે. તેવી જ રીતે નવસારી શહેરમાં પણ ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધ્યા છે. ઘરફોડ ચોરીના કિસ્સાને ડામવા માટે જિલ્લા એલસીબી પોલીસે ધરેલા અભિયાનમાં દાહોદની ચડ્ડી બન્યાં ગેંગનો ખુલાસો કરી ૧૫ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી ૮ આરોપીઓની ધરપકડ કરી છે.
નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરીના વધી રહેલા કિસ્સાઓને પગલે નવસારી જિલ્લા એલસીબી પોલીસે ગુનાઓને શોધી કાઢવા માટેનું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટેશનને સાથે રાખીને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા તત્વો પર નજર રાખવામાં આવી હતી. જેમાં જિલ્લાના એરૂ ગામેથી ચોરી કરવા જતી ટોળકીને ઝડપી પાડી છે. મૂળ દાહોદ જિલ્લાના અને કડિયાકામ કરી ગુજરાન ચલાવતા ચડ્ડી બનીયાન ગેંગના આઠ સભ્યોની ૬ લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે.