Western Times News

Gujarati News

’ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ હેઠળ ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવાઇ 

ગંગા સ્વરૂપ બહેનનો દીકરો યુવાન થાય ત્યારે તે સહાય બંધ કરી દેવામાં આવતી હતી, પણ હવે તેમાં સુધારો કરીને તેમને કાયમી આર્થિક સહાય મળી રહે તે માટે બહેન જીવે ત્યાં સુધી લાભ આપવામાં આવી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં ગંગા સ્વરૂપા અંતર્ગત બે વર્ષમાં ૧૦ હજારથી વધુ બહેનો માટે રૂ. ૯.૨૩ કરોડની સહાય મંજૂર કરાઈ

ગાંધીનગર, રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેસિયાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી પાનસેરિયાએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૧૦,૬૯૭ અરજીઓ પૈકી ૧૦,૬૪૩ અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત કુલ  રૂ. ૯.૨૩ કરોડથી વધુની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

મંત્રી શ્રી પાનસેરિયાએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે, અગાઉ આ યોજના અંતર્ગત જ્યારે ગંગા સ્વરૂપ બહેનનો દીકરો યુવાન થાય ત્યારે તે સહાય બંધ કરી દેવામાં આવતી હતી, પણ હવે તેમાં સુધારો કરીને તેમને કાયમી આર્થિક સહાય મળી રહે તે માટે બહેન જીવે ત્યાં સુધી લાભ આપવામાં આવી રહ્યો છે.

આ સહાય DBTના માધ્યમથી સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે તેમ, મંત્રી શ્રી ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.