સાબરમતી જેલમાં કેદી પાસેથી ગાંજો પકડાયો
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) અમદાવાદ, ફરી એકવાર ગાંજો પકડાવવાની ઘટના સામે આવી છે, આ વખતે અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંજો પકડતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કેદી પાસેથી ગાંજાની ૨૫ પડીકી ઝડપાઇ છે. આ ઘટના બાદ જેલ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે.
પાકા કામના કેદી પાસેથી ગાંજાની પડીકી ઝડપાઇ છે. ૧૧૧ ગ્રામ જથ્થા સાથે પકડાતા કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંજો પકડવવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૨૦૦ ખોલી બહારના ભાગે વીડિયો કોર્ટ પાસે પાકા કામનો કેદી પ્રિતેશ ઠક્કર વિશી વિભાગની ચાનું ગાડું લઈને જઈ રહ્યો હતો. જે શંકાસ્પદ લાગતા જેલના સુબેદાર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે નાસ્તાની પડીકામાં સેલોટેપમાં લપેટેલી ૨૫ ગાંજાની પડીકી મળી આવી હતી. આ અંગે સેન્ટ્રલ જેલના જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે