કોંગ્રેસના ગઢ ગણાતા આ ક્ષેત્રમાં ગાબડુંઃ ૪૦ આગેવાનો ભાજપમાં જાેડાયા
(પ્રતિનિધિ) ભરૂચ, વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવામાં કોંગ્રેસ મજબૂત થવાના સ્થાને રોજે રોજ તૂટી રહી છે. ભરૂચના વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ગઢ ગણાતા જાેલવા ગામમાં ભાજપે મોટું ગાબડું પાડી કોંગ્રેસને હચમચાવી મૂકી છે.
જાેલવાના ૪૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધારાસભ્ય અરુણસિંહ રણાના હાથે કેસરિયો ધારણ કરી કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસ હતભ્રત બની છે.
કોંગ્રેસના દિગગજ નેતા અહેમદભાઈ પટેલના મૃત્યુ પછી ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો જાણે કોઈ રખેવાળ જ નથી.કોંગ્રેસને જાતિ અને જ્ઞાતિવાદની ઉધઈ લાગતા અંદરથી ખવાઈ રહી છે.સત્તા અને હોદ્દા મેળવવાની લાલસામાં આગેવાનો એક બીજાના વિરોધી બન્યા છે.આગેવાનો ટાંટિયા ખેંચની રમતમાં મશગુલ બન્યા છે.
તેવામાં ઘણા આગેવાનો અને કાર્યકરોમાં નિરાશા ઉભી થઈ છે.જ્યારે બીજી બાજુ સત્તાસ્થાને બેસેલ ભાજપના શિસ્ત, સંયમ, સંસ્કાર અને રાષ્ટ્રવાદની વિચારધારા સાથે ચાલતા વિકાસના કામોથી હવે લોકો આકર્ષાઈ રહ્યા છે. જેમાંથી ખુદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પણ બાકાત નથી.
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે ત્રણ મહિનાથી કોંગ્રેસના કકળાટથી કંટાળેલા આગેવાનો ભાજપમાં જાેડાઈ રહ્યા છે. તેવામાં કોંગ્રેસના ઘઢ ગણાતા જાેલવા ગામમાં જ મોટું ગાબડું પડ્યું છે.કોંગ્રેસની ટાંટિયા ખેંચની રમતથી નારાજ અને ધારાસભ્ય અરુણસિંહ રણાના કામોથી પ્રભાવિત ૪૦ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસને છોડી
ભાજપની વિચારધારાને અપનાવી છે.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જાેડાતા ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્ક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ કેસરિયો ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે જાેલવા કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલનું ગામ છે.સુલેમાન પટેલે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી હતી.જાેકે ભાજપના મજબૂત આગેવાન અરુણસિંહ રણા સામે તેમની હાર થઈ હતી.આ વખતે પણ તેમને ચૂંટણી જંગ માટે એડી ચોટીનું જાેર લગાવવાની શરૂઆત કરી છે.
પરંતુ તેમને બાર સાંધતાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં હવે તેમના જ ગામમાં ભાજપે ગાબડું પાડતા વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસની હાલત વધુ નાજુક બની છે.