Western Times News

Gujarati News

ગરબા UNESCOની હેરિટેજ લિસ્ટમાં થઈ શકે છે સામેલ

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતનું નામ લેવામાં આવે તો એક ચિત્ર ઉભું થાય અને તે છે ગરબા રમતા ગુજરાતીઓનું. ગુજરાતમાં નવરાત્રિના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને ગુજરાતીઓ માટે તો કહેવાય છે કે તેમને ગરબા કરવા માટે નવરાત્રિની પણ રાહ જાેવાની જરૂર નથી હોતી.

લગ્ન હોય, જન્મદિવસ હોય, મેચ જીત્યા હોય કે પછી કોઈ પણ તહેવાર હોય, ગુજરાતીઓની ઉજવણી ગરબા વગર અધૂરી છે. ગુજરાતના આ જ ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળવા જઈ રહી છે.

UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના ગરબાને સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા જ કલકત્તાની દૂર્ગા પૂજાને આ યાદીમાં સ્થાન મળ્યુ હતું. હવે ભારત સરકારે ગુજરાતના ગરબાને યાદીમાં સામેલ કરવા માટે નામાંકન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે UNESCOની યાદીમાં ભારતના અનેક સ્મારકોને સ્થાન મળ્યું છે. અમદાવાદ શહેરને પણ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ભારત તહેવારો, મેળાઓ અને સંસ્કૃતિઓનો દેશ છે. આ સંસ્કૃતિ ભારતની આગવી ઓળખ છે. આ સંસ્કૃતિની ચર્ચા દુનિયાભરમાં થાય છે. ભારતના માત્ર સ્થાપત્યો જ નહીં, ૧૪ અમૂર્ત વારસાને પણ UNESCOની યાદીમાં સ્થાન મળ્યું છે.

UNESCOના અમૂર્ત સાંસ્કિત વારસાના સેક્રેટરી ટીમ કર્ટિસ જણાવે છે કે, આ નામાંકનને આગામી વર્ષ માટે ધ્યાનમાં લેવામાં આવશે. વર્ષ ૨૦૨૩માં ટીમ દ્વારા આ નામાંકનનું પરીક્ષણ કરવામાં આવશે અને ફાઈલ્સ જાેવામાં આવશે.

૨૦૨૩ના અંત સુધીમાં કમિટી દ્વારા ર્નિણય સંભળાવવામાં આવશે. ઉલ્લેખનીય છે , ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં આ યાદીમાં દૂર્ગા પૂજાનો સમાવેશ કર્યો હોવાની ઉજવણી દિલ્હીના નેશનલ મ્યુઝિયમ ખાતે કરવામાં આવી હતી અને ત્યારે જ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું. તમને જણાવી દઈએ કે અત્યારે ભારતના ૧૪ અમૂર્ત વારસાનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે.

વૈદિક મંત્રોચ્ચારણની પરંપરા, રામલીલા, કુડીયટ્ટમ, રામમન, મેડિયેટ્ટુ, કાલબેલિયા નૃત્ય, છાઉ ડાન્સ, બૌદ્ધ મંત્રોચ્ચારણ, મણિપુરા સંકીર્તન, અમૃતસરના જંડિયાલા ગુરુનું તાંબાનું કામ, યોગ, નવરોઝ, કુંભ મેળો અને કલકત્તાની દુર્ગા પૂજા. આ ભારતના વિવિધ તહેવારો, મેળાઓ, નૃત્યો અને પરંપરાઓ છે, જેની સાચવણી માટે તેને વૈશ્વિક કક્ષાએ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

હવે ગુજરાતના ગરબાને ૧૫મા ક્રમાંકે આ યાદીમાં સ્થાન મળશે કે કેમ તે આવતા વર્ષના અંત સુધીમાં જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગરબા પછી મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં ઉજવવામાં આવતા ગણેશ ઉત્સવનો પણ સમાવેશ તેમાં કરવામાં આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.