Western Times News

Gujarati News

કચરાની ગાડીએ અડફેટે લેતા ૧૩ વર્ષના વિદ્યાર્થીનું થયું મૃત્યુ

(એજન્સી)સુરત, સુરતના ઉધના વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોરણ ૮માં અભ્યાસ કરતા ૧૩ વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ મોહિતેને સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કાર્તિક તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. જેના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ અકસ્માત કરી ૧૩ વર્ષના કિશોરનો ભોગ લીધો હતો. કાર્તિક મોહિતે રાત્રિના સમયે પોતાની બે બહેનો સાથે ઘરના નજીક બહાર નીકળ્યા હતા. ત્યારે એસએમસીની કચરાની ગાડી અચાનક પૂર ઝડપે આવી અને કાર્તિકને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયા. તાત્કાલિક ગમખ્વાર ઈજા થવાથી કાર્તિકનો ઘટનાસ્થળે જ કરૂણ અંત આવ્યો હતો.

બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો. તેમજ કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. ઘણા લોકોની માંગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેઇનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.