માં અંબાના મૂળ સ્થાનક ગબ્બર અખંડ જ્યોતને શાકભાજીનો શણગાર: શાકંભરી નવરાત્રીનો પ્રારંભ
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલુ છે.અંબાજી દેશના ૫૧ શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર પર નાના મોટા ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.બુધવારથી શાકંભરી નવરાત્રીનો પ્રારંભ થયો છે.
ત્યારે મા અન્નપૂર્ણા જગત આખાને અન્ન અનાજ તથા કઠોળ અને શાકભાજી પુરાં પાડે છે. સ્વયં શિવજી પણ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષામ દેહિ ! કહીને ભિક્ષા માગવા ગયા હતા. માગશર માસનાં અન્નપૂર્ણાવ્રત પછી પોષ માસમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિને શાકભાજી, લીલા મસાલા, તથા ફળોથી શણગારવામાં આવે છે. મૂર્તિની આસપાસ લીલોતરી વેલાનાં શાક ધરાવાય છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં બોર, ઝીંઝરા (લીલા ચણા), ઘઉંનો પોંક, વટાણા, તુવેરા વિ.ધરવામાં આવે છે. ફળોમાં, સીતાફળ, નારંગી, જામફળ કેવાં પણ ધરાય છે. પ્રસાદમાં ભક્તોને પણ ફળો-શાક -વહેંચવામાં આવે છે અને વિતરણ થાય છે.
વિશ્વમા નવરાત્રીનું આગવું મહત્વ છે.આપણે ત્યાં સામાન્ય રીતે ચાર નવરાત્રી આવે છે. મહા,ચૈત્ર, અષાઢ તથા આશ્વિત, તેમાં ચૈત્ર અને આસો મહત્વના ગણાય છે. (આસો) માતાજીની ઉપાસનાનું આવું જ એક પર્વ એટલે શાકંભરી નવરાત્રી-મહા માસમાં માઘસ્નાનનો પણ અનેરો મહિમા છે. પોષ માસની આઠમથી પુનમ સુધી આપણે ત્યાં શાકંભરી નવરાત્રી મનાવવામાં આવે છે.
આ નવરાત્રી અન્ય નવરાત્રી કરતાં વિશિષ્ટ છે, શાકંભરી નવરાત્રીમાં ગુલાબનાં ફુલોથી શ્રીયંત્રની પુજા કરવાનો રિવાજ છે. આ ઉપરાંત યજ્ઞ અને હવન પણ કરવામાં આવે છે. શાકંભરી નવરાત્રીમાં ભક્તો પણ માના ચરણોમાં લીલાં શાકભાજી ધરે છે. ગરીબ નાના માણસો અને છેવાડાના માણસોને ધરેલા શાકભાજી, લીલા મસાલા, કઠોળ પહોંચાડવામાં આવે છે.
અન્નપૂર્ણાની મૂર્તિ ન હોય તો પણ એક બાજોઠ પર લાલ વસ્ત્ર અને ઘઉં પાથરીને કળશ પર શ્રીફળ પધરાવીને દીપ પ્રગટાવીને માની આરાધના કરવામાં આવે છે. ગબ્બર ખાતે માં અંબાનું મૂળ સ્થાનક છે,અંબાજી આવતા માઈ ભક્તો ગબ્બર અખંડ જ્યોતના દર્શન કરવા અચૂક જાય છે. ૧૮ તારીખ થી ૨૫ તારીખ સુધી શાકંભરી નવરાત્રી રહેશે, બુધવારે ગબ્બર અખંડ જ્યોત આસપાસ શાકભાજી નો શણગાર કરી માતાજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો સાથે ૨૧ કિલોના લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો ગબ્બર ના મહારાજ ગિરીશ લોઢા પણ હાજર રહ્યા હતા.