Western Times News

Gujarati News

બાંધકામ સાઈટ પાસેની ઝૂંપડપટ્ટીમાં ગેસનો બાટલો ફાટ્યોઃ 10 મકાનોને નુકશાન

તાપી, ગુજરાતના તાપીના વ્યારાના ખટારફળિયામાં રવિવારે (૩૦ માર્ચ) બાંધકામ સાઈટ પાસેની ઝૂંપડપટ્ટી પર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે વિકરાળ આગ લાગી હતી. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી.

સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગને ગણતરીના સમયમાં ઓલવી નાંખી હતી. જોકે, આગ ઓલવ્યા બાદ ફાયર વિભાગને ઝૂંપડામાંથી ૨૩ થી ૨૪ જેટલાં રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતાં. જેના કારણે રાંધણ ગેસના સિલિન્ડરના કૌભાંડ વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વ્યારાના ખટરફાળિયા વિસ્તારમાં રવિવારે બાંધકામ સાઇટની પાસે શ્રમિકોની ઝૂંપડપટ્ટીમાં વિકરાળ આગ લાગી હતી. ગેસનો બાટલો બ્લાસ્ટ થવાના કારણે ત્યાં હાજર દસેક જેટલાં ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતાં. જોકે, શ્રમિકો પોતાના કામ માટે ગયા હોવાના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ, શ્રમિકોનો તમામ સામાન બળી જવાથી નુકસાન થયું છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યું અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અહીં આવીને જોયું તો આગ વિકરાળ હતી. રાંધણ ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. અહીં હાજર તમામ લોકોને અમે આગના સ્થળથી દૂર કરી તાત્કાલિક ધોરણે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો છે.

આગ લાગવાના કારણ વિશે વાત કરતાં અધિકારીએ જણાવ્યું કે, અહીં મજૂરોના ૧૦ જેટલાં ઝૂંપડા છે. તેઓ અહીં રાંધતા સમયે જમવાનું બનાવવા માટે લાકડાં જેવું કંઈ સળગાવ્યું હશે અને એ સળગતું મૂકીને કામ કરવા જતા રહ્યા હશે. જેના કારણે આગ પકડાઈ હશે અને બાદમાં ગેસના સિલિન્ડર સાથે સંપર્કમાં આવતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હશે. નોંધનીય છે કે, આ ઘટનામાં ફાયર વિભાગને અહીંથી ૨૩ થી ૨૪ જેટલા ગેસના સિલિન્ડર મળી આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.