ગેસ સિલીન્ડર મળતા મહિલાઓને ચૂલો ફૂંકવામાંથી મુક્તિ મળી
ગુજરાતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો અત્યાર સુધી ૨૮,૨૭,૬૮૪ લાભાર્થીઓ લાભ મેળવી ચૂક્યા છે
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી મહિલાઓને રસોડામાં આનંદના અજવાળાં મળ્યા
અહેવાલ- ગોપાલ મહેતા , પહેલા ચૂલા પર રસોઇ કરવાથી મહિલાઓને આંખમાં બળતરા થતી અને સ્વાસ્થ્યને પણ નુક્સાન થતું હતું. પરંતુ હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલમાં આવવાથી ગૃહણિઓની મુશ્કેલીઓમાં ઘટાડો થયો છે અને મહિલાઓ ખુશખુશાલ જોવા મળી રહી છે. મહિલાઓ હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી ચૂલાના બદલે રાંઘણ ગેસનો ઉપયોગ કરતી થઇ છે, જેના કારણે તેમના અને તેમના પરિવારજનોને આરોગ્ય લગતી સમસ્યાઓનું પણ નિરાકરણ આવ્યું છે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો અત્યાર સુધી ૨૮,૨૭,૬૮૪ લાભાર્થીઓ લાભ મેળવી ચૂક્યા છે, જ્યારે દેશભરમાં ૭,૮૬,૭૩,૬૨૩ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવ્યો છે.
અરવલ્લી જિલ્લાના વુડાસન ગામમાં રહેતા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી ચંદ્રિકાબેન રાઠોડના જણાવ્યા અનુસાર, પહેલા અમે ચૂલામાં રસોઇ કરતા હતા ત્યારે ધુમાડાના કારણે બાળકો સહિત પરિવારની આંખોને નુકસાન થવાનો ખતરો રહેતો હતો. વાસણ સાફ કરવામાં પણ ઘણો સમય વેડફાતો હતો.
તો ક્યારેક બળતળ લાવવામાં પણ ઘણી સમસ્યાઓ આવતી હતી. અમારું પોતાનું ખેતર ન હોવાને કારણે આજુબાજુથી બળતણ લાવીને ચૂલો કરતા હતા. વરસાદની સિઝનમાં જ્યાં સુધી વરસાદ બંધ ન થાય ત્યા સુધી અમારો ચૂલો સળગતો નહોતો. આવા સમયમાં અમારે ભૂખ્યું બેસી રહેવું પડતું હતું. પરંતુ હવે ઉજ્જવલા યોજનાના કારણે મારા ઘરમાં ગેસનો બાટલો આવી જવાને કારણે ચાલું વરસાદમાં પણ હું સરળતાથી રસોઇ બનાવી શકું છું.
આ ઉપરાંત જ્યારે ભારે પવન હોય ત્યારે મારા ચૂલાની ઝાળ બહાર આવી જતી હતી તેથી રસોઇ બનાવવામાં પણ ઘણો સમય જતો હતો હવે ઉજ્જવલા યોજનાને લીધે મારી રસોઇ ફટાફટ તૈયાર થઇ જાય છે. જેથી મારો રસોઇ કરવાનો સમય પણ બચે છે અને આ બચેલો સમય બાળકો તથા ઘરના બાકીના કામો માટે ફાળવી શકું છું તેમ તેમણે પોતાનો હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું.
હાલ જન જનને સમર્પિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે મહિલાઓનું યોગ્ય સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી દેશની તમામ મહિલાઓને ગેસ સિલીન્ડર પૂરા પાડવાની ઉજ્જવલા યોજનાનો અસરકારક રીતે અમલ કર્યો છે.
આ સાથે તેમાં સીમાચિન્હરૂપ સિદ્ધિઓ પ્રાપ્ત થઇ છે. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો અસરકારક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજનાના અમલથી મહિલાઓને ગેસ સિલીન્ડર પ્રાપ્ત થતાં તેમને ચૂલો ફૂંકવામાંથી મુક્તિ મળી છે. ઉપરાંત તેમના સમય અને શક્તિનો બચાવ થતાં બાળકોના શિક્ષણ અને અન્ય રોજગાર સ્વરોજગારના કામ તેઓ ઉત્સાહપૂર્વક કરી શકે છે.
ગામડાઓમાં રસોઈ કરવા માટે ચૂલાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાતો હતો. જેના કારણે રસોઈ કરતી માતા-બહેનોની આંખોમાં ધુમાડો જતો હતો. જો, કે હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બાદ ગરીબ અને બીપીએલ પરિવારોને ગેસ કનેક્શન મળી રહ્યા છે, જેથી માતા-બહેનોને ધુમાડાથી છુટકારો મળ્યો છે. આ ઉપરાંત છેવાડાના ગરીબ અને બીપીએલ પરિવારોને ગેસ કનેક્શન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયના ઉપક્રમે સમગ્ર ભારત દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો અમલ ચાલી રહ્યો છે. આ યોજના અંતર્ગત સમગ્ર ભારતભરની તમામ ઓઈલ કંપનીઓ તરફથી એલ.પી.જી ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે.
આ ઉજ્જવલા યોજનામાં છેવાડાના ગરીબ માણસો, ગ્રામિણ મહિલાઓ, બી.પી.એલ. લાભાર્થીઓ તેમજ શહેરી વિસ્તારના આવક મર્યાદા ઓછી ધરાવતા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ જે તે જિલ્લાની કલેક્ટર કચેરી તેમજ મામલતદાર કચેરી તથા નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો રહે છે.