ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરાવવાનું કહી ગઠિયાએ ૨૧ લાખનો ચૂનો લગાવ્યો
અમદાવાદ, ઓનલાઇન શેરબજારમાં રોકાણ કરીને લાખો રૂપિયાનો નફો કમાવો, ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરીને ઊંચુ વળતર મેળવો. આવો મેસેજ આવે તો એલર્ટ થઇ જવાનું કેમકે આ સાયબર ગઠિયા છે. તેઓ તમારી પાસેથી લાખો રૂપિયા પડાવશે. પોલીસ અને તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે.
તેમા છતાં સાયબર ગઠિયા અમદાવાદના એક વૃદ્ધને ટાર્ગેટ કરી ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરવાની લાલચ આપી ૨૦ લાખ રૂપિયા પડાવી ગયા છે. જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.હવે લોકોએ સાયબર ગઠિયાઓથી બચવા માટે જાગૃત થવાની જરૂર છે. ત્યારે જ વધુ એક આંખો ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આઇએફસીએલમાંથી નિવૃત્ત થયેલા દિલીપભાઇ શિંદે(૭૩) હાલ પત્ની રાજસબેન સાથે જીવન સંધ્યા ગુજારે છે. ડ્રાઇવિંગ રોડ પર રહેતા દિલીપભાઇ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેમની બન્ને દીકરીઓ વિદેશ સેટલ છે.દિલીપભાઇએ ફેસબુક પર એક જાહેરાત જોઇ હતી.
જેમાં રાજદીપ શર્મા નામના યુઝરે પોતાની વર્લ્ડ ફાઇનાન્સ એકેડમી નામની સંસ્થા ચલાવીએ છીએ અને લોકોને શેરબજારમાં રોકાણ કરાવીને સારો નફો કરાવી આપીએ છીએ. રાજદીપની વાતમાં આવી ગયેલા દિલીપભાઇએ રોકાણ કરવાની તૈયારી બતાવતાં રાજદીપની ટીમની મેરી સાનયાલે તેમની સાથે વાત કરીને એક ગ્‰પમાં તેમને એડ કર્યા હતા.
જ્યાં તેમને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની ટીપ્સ આપવામાં આવી હતી. હાલમાં ક્રિપ્ટોમાં ટ્રેડિંગ ખૂબ જ લાભદાયી હોવાનું તેમને જણાવ્યું હતું. આ ટીમની વાતોમાં આવી જઇને દિલીપભાઇ શિંદેએ ક્રિપ્ટો કરન્સીમાં નફો કમાવવા માટે ૨૦.૯૯ લાખનું રોકાણ કર્યું હતું.
હવે પ્રોફિટ વિડ્રો કરવા માટે અરજી કરતાં રાજદીપ કે તેની ટીમ દ્વારા કોઇ જ જવાબ મળ્યો નહોતો. જેને પગલે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં દિલીપભાઇ શિંદેએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.SS1MS