લોન કરી આપવાનું કહી ગઠિયાએ નાણાં મેળવીને ફોન ખરીદીને લોન ક્લોઝ કરી નાખી
અમદાવાદ, પાલડીમાં રહેતા એક યુવકે ફેસબુક પર ઇન્સ્ટાકેશ નામના પેજ પર એક જાહેરાત જોઇ હતી. બાદમાં લોન કરાવવા માટે તેને એક ફોન આવ્યા બાદ તેણે પ્રોસેસ કરી હતી. બોપલમાં આવેલા ફોનવાલે શોપમાં તે ગયો ત્યારે એક શખ્સે લોન પ્રોસેસ પણ કરી હતી.
જોકે બાદમાં સામે આવ્યુ કે ફોનવાલેમાં મળેલા શખ્સે લોન લઇને તે નાણાંનો ફોન ખરીદીને લોન ક્લોઝ કરાવી હતી. જો કે આરોપીએ હપ્તા ન ભર્યા હોવાથી યુવક સાથે છેતરપિંડી થઇ હતી. જે મામલે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાલડીમાં રહેતા ભાવિક વાઘેલાએ ફેસબુક પર ઇન્સ્ટાકેશ નામના પેજ પર લોનની જાહેરાત જોઇ હતી. તેમાં તેમણે નામ અને નંબરની વિગતો ભરી હતી.
જે બાદ તેમને એક મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલાએ આધારકાર્ડ પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ માંગતા ભાવિકભાઇએ વોટ્સએપ પર તમામ ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. બાદમાં એક શખ્સે ફોન કરીને લોકેશન મોકલતા ભાવિકભાઇ તેમના પત્ની સાથે બોપલમાં ફોનવાલે દુકાન પર ગયા હતા.
ત્યાં મોઇન નામના માણસને મળ્યા હતા જેણે લોન પ્રોસેસ શરૂ કરી હતી. ત્યારબાદ ભાવિકભાઇ ત્યાંથી નીકળી ગયા હતા પરંતુ તેમને ફરીથી બોલાવીને બેંક એકાઉન્ટ નંબર સહિતની વિગતો શખ્સોએ મેળવી હતી. ભાવિકભાઇને માત્ર ૨૫ હજારની જ લોનની જરૂર હોવા છતાંય આરોપીઓએ રૂ. ૫૦ હજારની લોન કરી નાખી હતી.
જેથી તેમણે વાંધો ઉઠાવતા આરોપીઓએ માત્ર ૪૦ હજાર જ ભરવાના કહીને ભાવિકભાઇને તેમની વાતોમાં ભોળવ્યા હતા. જો કે બાદમાં ભાવિકભાઇએ તપાસ કરતા સામે આવ્યુ કે આરોપીઓએ રૂ. ૫૦ હજારની લોન લઇને ફોન ખરીદી લઇને લોન ક્લોઝિંગના ખોટા ડોક્યુમેન્ટ બતાવી છેતરપિંડી આચરી હતી. જે મામલે બોપલ પોલીસે દિક્ષીત ઉર્ફે મોન્ટુ સોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS