૭ દિવસમાં બમણું વળતર મળશે કહીને વૃદ્ધના ૫.૯૧ લાખ લઈ ગઠિયો રફુચક્કર

અમદાવાદ, દાણીલીમડામાં રહેતા અને બેંક મેનેજરની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલા વૃદ્ધને સાત દિવસમાં બમણા વળતરની લાલચ ભારે પડી હતી. લાલચમાં આવીને વૃદ્ધે ૫.૯૧ લાખ રૂપિયા મુંબઈના અજાણ્યા યુવકને રોકાણ કરવા સારું આપી દીધા અને ગઠિયો રૂપિયા લઈને રફ્ફુચક્કર થઇ ગયો હતો.
વૃદ્ધે અનેક પ્રયાસો કર્યા છતાં ગઠિયાએ રૂપિયા નહીં આપતા આ મામલે ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બહેરામપુરામાં કમલા નહેરુ સોસાયટીમાં રહેતા અને વર્ષ ૨૦૨૧માં બેંકમાંથી બ્રાંચ મેનેજરની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલા નવીનચંદ્ર ચૌહાણ (૬૫) તેની પત્ની અને પરિવાર સાથે રહે છે.
નિવૃત્તિ બાદ ગ્રેજ્યુઇટી અને પીએફના રૂપિયાનો સારી જગ્યાએ રોકાણ કરવાના વિચાર સાથે નવીનચંદ્ર સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે થઈને અલગ-અલગ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા અને એડવાઈઝરની મદદથી રોકાણ કરતા હતા.
આ દરમિયાન તેમની મુલાકાત મુંબઈના રહેવાસી હર્ષિત અગ્રવાલ સાથે થઇ હતી. ત્યારબાદ યુવકે વૃદ્ધને સાત દિવસમાં કરેલા રોકાણમાં બમણો ફાયદો અપાવીશ કહીને વિશ્વાસ અપાવ્યો હતો. વૃદ્ધને વિશ્વાસ આવતા વર્ષ ૨૦૨૪ના ઓક્ટોબર મહિનામાં ટુકડે-ટુકડે કરીને કુલ ૬.૨૩ લાખ રૂપિયાનું રોકાણ જુદી-જુદી સ્કીમોમાં કર્યું હતું.
થોડા મહિના સુધી ગઠિયાએ વૃદ્ધને વળતર સ્વરૂપે નાનકડી રકમ ચૂકવતો જેથી વૃદ્ધ ગઠિયાના વિશ્વાસમાં આવી ગયા હતા. બાદમાં ગઠિયાએ પોતાનો રંગ બતાડવાનું ચાલુ કર્યું હતું અને રૂપિયા આપવાની તારીખે ગોળ-ગોળ વાતો કરીને બહાના આપવા લાગ્યો હતો.
વૃદ્ધે કડકાઈ પૂર્વક ઉઘરાણી કરતા આરોપીએ માત્ર ૩૨ હજાર રૂપિયા આપ્યા અને બાકીના ૫.૯૧ લાખ આપવામાં બહાના બતાવવા લાગ્યો હતો. છેલ્લા એક વર્ષથી વૃદ્ધ આરોપી યુવક પાસે પોતાના રૂપિયા માંગતા હતા.
પરંતુ હર્ષિત અગ્રવાલ રોજ નવા બહાના વૃદ્ધને આપ્યા કરતો હતો. આખરે વૃદ્ધે આ મામલે ૫.૯૧ લાખ રૂપિયાની ઠગાઈ પોતાની સાથે થઇ હોવા અંગેની ફરિયાદ દાણીલીમડા પોલીસમાં નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી છે.SS1MS