Western Times News

Gujarati News

નિકોલમાં ગોલ્ડ લોનની ૯.૫૦ લાખ રકમ લઇ ગઠિયો પલાયન

અમદાવાદ, નિકોલ વિસ્તારમાં રહેતો સુનિલ પુષ્પેન્દ્રકુમાર દ્વિવેદી મણપ્પુરમ ફાયનાન્સના એરિયા હેડ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા દોઢ વર્ષથી નિકોલ સરદાર મોલ ખાતે આવેલ બ્રાન્ચમાં મેનેજર તરીકે પણ સુનિલ નોકરી કરે છે.

૧૮ જુલાઇના રોજ સુનિલ બપોરે નોકરી પર હાજર હતો ત્યારે એક શખ્સ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, મારે ફેડ બેંકમાંથી ૨૦ લાખની લોન મણપ્પુરમ ગોલ્ડ ફાયનાન્સ લિ.માં ટ્રાન્સફર કરાવી છે. મારે ફેડ બેંકમાં ત્રણ અલગ અલગ પ્રકારની લોન ચાલે છે અને બેંક મને ૧.૨૫ ટકાના વ્યાજે લોન આપે છે.

મને મણપ્પુરમમાં ૧.૦૭ ટકાના વ્યાજે લોન મળે છે, તેથી હું અહીં આવ્યો છું. આથી સુનિલે ફેડ બેંકના દસ્તાવેજ માગ્યા હતા અને કેટલું સોનું ત્યાં મૂક્યું છે તેની પૃચ્છા કરી હતી.

શખ્સે બેંકના દસ્તાવેજની કોપી આપી હતી. જેમાં તેનું નામ કરણ મહેશ રામચંદાની (રહે. મુરલી મનોહર સોસાયટી, બંગ્લા એરિયા, કુબેરનગર) હોવાનું જણાયું હતું. તેણે ફેડ બેંકમાં ૨૨૩ ગ્રામ સોનું ગીરવે મૂક્યું હતું અને બેંકમાંથી ૯.૫૦ લાખની લોન લીધી હોવાની કોપી રજૂ કરી હતી. જેથી સુનિલે વિવિધ દસ્તાવેજ મેળવી કરણની લોનની પ્રોસેસ શરૂ કરી અને રૂ. ૯.૫૦ લાખની લોન મંજૂર થઇ હતી.

ત્યારબાદ કરણના ખાતામાં મણપ્પુરમ લિ. દ્વારા ૯.૫૦ લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેથી સુનિલે કરણને કહ્યું હતું કે, તમારા ખાતામાં પૈસા આવી ગયા છે તમે હવે ૯.૫૦ લાખની ગોલ્ડ લોન ફેડ બેંકમાં ચૂકવી દો અને સોનું મેળવી મને આપો તો હું તે અમારી કંપનીમાં જમા કરાવી દઉં.

તેથી કરણે તેના વ્હીકલ પર સુનિલને બેસાડ્યો હતો અને સોનું લેવા જવા કહ્યું હતું. ત્યારે સુનિલે સહકર્મચારી પિયુષ દુબેને પણ બાઇક લઇ પાછળ આવવા જણાવ્યું હતું.

થોડા આગળ પહોંચ્યા બાદ કરણે સુનિલને જણાવ્યું હતું કે, મારો બીજો ફોન ઘરે છે તેમાં ઓટીપી આવે છે તેથી તે ફોન ઘરે (સાબરમતી)થી લઇ લવું પછી સોનું છોડાવી તમને આપી દઉં. જેથી સુનિલે હા પાડી હતી. પછી કરણ સાબરમતી ખાતે સુનિલને લઇ ગયો હતો અને ફ્લેટમાં જઇ ફોન લઇ આવું તેમ કહી એક ફ્લેટમાં ગયો હતો.

જેથી સુનિલ તેની રાહ જોઇ ઊભો રહ્યો હતો, પરંતુ કલાક વિત્યો છતા તે ન આવતા સુનિલે કંટ્રોલ મેસેજ કર્યો હતો. જેથી સાબરમતી પોલીસ ત્યાં આવી હતી, પરંતુ ગુનો બન્યો તે હદ નિકોલની હોવાથી આ મામલે નિકોલ પોલીસે કરણ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.