ગાયત્રી પરિવાર- પારિવારિક યુવા સંમેલન મોડાસામાં યોજાયું
( પ્રતિનિધિ)મોડાસા, યુવાઓને વધુ વેગવાન બનાવવા યુવાનોનું પારિવારિક યુવા સંમેલન ૧૧ જૂન, રવિવારે મોડાસા ખાતે યોજાયું . મુખ્ય અતિથિ ગોપાલ સ્નેક્સ પ્રા. લી. ના જયસુખભાઈ ચાપલા તથા રશિલાબેન ચાપલા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્યથી શુભારંભ થયો.
વિશેષ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. અરવિંદભાઈ કંસારાના મધુર અવાજમાં યુવાઓ માટે જાેશભર્યા પ્રજ્ઞાગીત સંગીતથી યુવાનોમાં નવિન ઉત્સાહનો સંચાર થયો. કોર્પોરેટ જગત તથા યુવા વર્ગના ઉદ્બોધન માટે પ્રસિદ્ધ એવા વડોદરાથી આવેલ જીગરભાઈ ઠક્કરે પોતાના ઉદ્બોધનમાં સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે.
આ યુવાનો યોગ્ય રાહ પર ચાલે તો વિશ્વની દશા અને દિશા બદલી શકે છે. યુવાઓના ઉત્થાન માટે આદર્શો વિષે ખૂબ જ ઝીણવટ ભરી રજૂઆત કરી. યુવાવસ્થામાં અનેક સપનાઓને સાકાર કરવાનો સમય હોય છે.
ગુજરાતના ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. ઘટમાં ઘોડા થનગને આતમ વિંઝે પાંખ .આ કવિતા રચનાત્મકતા તરફ યુવાનોને દિશા નિર્દેશ કરે છે. યુવાનીમાં રચનાત્મકતા અને સૃજનાત્મકતા ના હોય તો યુવાની એળે જાય છે. રચનાત્મકતાનું બીજુ નામ છે યુવા.
આ વાક્ય આ સંમેલનના મોટીવેટર કિરણ પટેલે લવ યુ જીંદગી વિષય પર ઉદ્બોધનમાં જણાવ્યું. ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ, ગુજરાતના સંયોજક કિરિટભાઈ સોનીએ યુવાનો માટે હાલના વિકટ સમયમાં ભયસ્થાનોથી બચવા માટે હ્રદયની વેદના ભર્યા અવાજમાં પોતાના વિચારો રજુ કર્યા.
જન સેવાના કાર્યો વિષે યુવાઓની ફરજાે પર પ્રકાશ પાડ્યો. ઉપસ્થિત સૌ યુવા ભાઈઓ બહેનોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. સૌએ ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમ જીપીવાયજી- મોડાસા દ્વારા ચાલતી જન સેવાકિય અને પ્રકૃતિને અનુસરણ જીવન માટેની પ્રવૃતિઓ વધુ વેગવાન બનાવવા પોતાની તૈયારી બતાવી.
આ માટે યુવા જિલ્લા સંયોજક ભાર્ગવભાઈ પ્રજાપતિએ દરેક આંદોલનો માટે અલગ અલગ ટીમોની રચના કરવા રજૂઆત કરી. જેથી જીપીવાયજી દ્વારા ચાલતી પ્રવૃતિઓ વધુ વેગવાન થઈ શકે. આ માટે સૌ યુવાઓનો સમય તેમજ પોતાની શક્તિઓ સમાજ સેવામાં લગાવવા આહવાન કરવામાં આવ્યું. જેમાં સૌ યુવાઓએ પોતાના રસપ્રદ આંદોલનમાં સહભાગી થવા બસોથી વધુ યુવા ભાઈ- બહેનોએ સંકલ્પ કર્યા.
આ પારિવારિક યુવા સંમેલન સફળ બનાવવા જીપીવાયજી મોડાસાની ટીમના સૌ યુવાઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજનનું સંચાલન સ્વાતિબેન કંસારાએ કર્યું.