ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ: 50 હજારથી વધુ રોજગારીની તકોની સંભાવના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/PR-NO.-235-3-1024x584.jpeg)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ
ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોરમેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મક્તામાં ગુજરાતને પસંદગીના GCC હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના દિશા દર્શનમાં ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની ખ્યાતિમાં વધુ એક નવું પરિમાણ
· પોલિસી અન્વયે રાજ્યમાં ઓછામાં ઓછા ૨૫૦ નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય
· રૂ. ૧૦ હજાર કરોડથી વધુનું રોકાણ અને ૫૦ હજારથી વધુ નવી રોજગાર તકોની સંભાવના
· CAPEX અને OPEX સહાય સહિતના અનેકવિધ પ્રોત્સાહનો સાથેની GCC પોલિસીમાં કૌશલ્ય નિર્માણને મહત્વ આપવામાં આવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦)નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચીંગ કર્યુ હતુ.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પોલિસીનું લોન્ચીંગ ગિફ્ટ સિટીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી તપન રે તેમજ નિતી આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર તથા આમંત્રીત ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતીમાં કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં સેક્ટર સ્પેસીફિક પોલિસીઝ ફ્રેમવર્કથી નવા અને ઈમર્જીંગ સેક્ટરના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ ઉભું કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીના પદચિહ્નો પર ચાલતાં વર્તમાન સરકારે પણ પાછલા ૩ વર્ષોમાં સેમીકન્ડક્ટર પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, IT અને ITeS પોલિસી, ટેક્ષટાઇલ પોલિસી, રીન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેક્નોલોજી પોલિસી જેવી ઈમર્જીંગ સેક્ટર્સની અનેક પોલિસીઝ જાહેર કરી છે. રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં હવે ૨૦૨૫થી ૩૦ના પાંચ વર્ષ માટે નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની તેમણે જાહેરાત કરી હતી.
આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રીસિટી રીએમ્બર્સમેન્ટ સહિત વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. આ પોલિસીને પરિણામે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન અને બિઝનેસ રિજ઼િલીઅન્સ ને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, શરૂઆતમાં કોસ્ટ સેવિંગ યુનિટ તરીકે બનાવવામાં આવેલા GCCs હવે સ્ટ્રેટેજીક ઇનોવેશન હબ બની ગયા છે અને ટેકનોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ એન્જીનિયરિંગ અને R&D જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત કુશળ માનવ સંસાધન અને પ્રગતિશીલ નીતિ માળખા સાથે, GCC ઇકોસિસ્ટમમાં ગ્લોબલ લિડર તરીકે સ્થાપિત થયું છે. ગુજરાત પણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝ અને કુશળ માનવબળની ઉપલબ્ધતા સાથે મજબૂત વ્યવસાયિક વાતાવરણ પ્રદાન કરે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
એટલું જ નહિ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા શહેરોમાં ગિફ્ટ સિટી અને ઇનોવેશન ક્લસ્ટર જેવા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ગુજરાતને ઈમ્પોર્ટન્ટ પ્લેયર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. આ ગુજરાત ગ્લોબલ કેપેબીલીટિ સેંટર પોલિસીનું વિઝન ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સાથે વિશ્વસ્તરીય પરિસ્થિતિનું નિર્માણ કરીને ગુજરાતને GCCs માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં દેશમાં ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સને પ્રોત્સાહન આપીને નાના શહેરોના ટેલેન્ટ પુલને અવસરો મળે તે માટે ખાસ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતની આ GCC પોલિસી પણ વડાપ્રધાનશ્રીના વિઝન અને યુવાઓ માટેના મિશન બન્નેને પરિપૂર્ણ કરશે તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે:
· પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા GCC યુનિટ્સ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આનાથી રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓ ઉભી થશે.
· GCC પોલિસીને પરિણામે રાજ્યમાં રૂ.10,000 કરોડથી વધુનું રોકાણ પણ થશે.
· પોલિસી રૂ.250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂ.50 કરોડ સુધીની અને રૂ.250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂ.200 કરોડ સુધીની CAPEX સહાય પૂરી પાડશે.
· પોલિસી રૂ.250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂ.20 કરોડ સુધીની અને રૂ.250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂ.40 કરોડ સુધીની OPEX સહાય પૂરી પાડશે.
· GCC પોલિસી અંતર્ગત રોજગાર સર્જન માટે વિશેષ પ્રોત્સાહનો પણ આપવામાં આવશે, જેમાં નવા સ્થાનિક કર્મચારીઓને ભરતી કરીને તેમને ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાળવી રાખવા માટે એક વખતની સહાય આપવામાં આવશે, તે એક મહિનાના CTCના 50% જેટલી હશે. તેમાં પુરુષ કર્મચારીઓ માટે રૂ. 50,000 અને મહિલા કર્મચારીઓ માટે રૂ. 60,000 સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
· સ્પેશિયલ ઇન્સેટિવ પોલિસી હેઠળ,ટર્મ લોન પર 7% વ્યાજ સબસીડીરૂપે સહાય આપવામાં આવશે જે મહત્તમ રૂ. 1 કરોડની મર્યાદામાં રહેશે.
· આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય યોજના,કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ હેઠળ એમ્પ્લોયરના કાયદાકીય યોગદાન અંગે વળતર આપશે,જેમાં મહિલા કર્મચારીઓ માટે 100% અને પુરુષ કર્મચારીઓ માટે 75% સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
· ગુજરાત સરકારને ચૂકવવામાં આવેલ ઈલેક્ટ્રીસીટી ડ્યુટીની સંપૂર્ણ રકમ પણ પરત કરવામાં આવશે.
· GCC પોલિસી સ્થાનિક પ્રતિભા અને વર્કીંગ પ્રોફેશનલ્સના કૌશલ્ય વધારવાનો પણ હેતુ ધરાવે છે જેમાં વર્કીંગ પ્રોફેશનલ્સ માટે અભ્યાસક્રમ ફીના 50% સુધી અને અંડરગ્રેજ્યુએટ/ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ ફીના 75% સુધીના પોલિસી ઈન્સેન્ટીવ્સનો સમાવેશ થાય છે.
· એલિજીબલ યુનિટ્સને ક્વોલિટી સર્ટિફિકેશન માટે સહાય મળશે, જેમાં રૂ.10 લાખની મર્યાદામાં ક્વોલિટી સર્ટિફિકેશન ફીના 80% સુધીનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે.
આ પોલિસી લોન્ચિંગ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે પોલિસી અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત અગ્રણી રાજ્ય બન્યું છે. જેમાં રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગનો પણ મહત્વનો ફાળો રહેલો છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન અને બિઝનેસ રિજ઼િલીઅન્સને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પોલિસીનું વિઝન ઇનોવેશનને પ્રોત્સાહન આપીને અને વિશ્વસ્તરીય પરિસ્થિતિનું નિર્માણ કરવાનો છે, જેનાથી ગુજરાત GCCs માટેનું અગ્રણી રાજ્ય બનશે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ૮.૨ ટકા સાથે ભારતના જીડીપીમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે. રાજ્યમાં એપ્રિલ ૨૦૦૦ થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ૬૭ બિલિયન યુએસ ડોલરનું ફોરેઇન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ –FDI આવ્યું છે. વધુમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રાજ્યનો હિસ્સો ૩૫.૩ ટકા જેટલો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતના કુલ નિકાસમાં રાજ્યનો ૩૧ ટકા હિસ્સો રહેલો છે.
આ પ્રસંગે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તપન રે એ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં ટેકનોલોજી અને ફાઈનાન્સ સહિતના સતત નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝનથી કાર્યરત થયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આજે ફિનટેક અને આઈ.ટીની સાથે નવા ટેલેન્ટેડ યુવાનો નવા વિચાર સાથે નવા નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીની જરૂરિયાતને સમજીને ગુજરાતીમાં તેનો ઝડપી અમલ થઈ રહ્યો છે. એક મહિનામાં મુખ્યમંત્રીશ્રીએ ચોથી વાર ગિફ્ટ સિટીની મુલાકાત લઈને નવા નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે. ભારતમાં એક માત્ર ગિફ્ટ સિટી એવી જગ્યા છે જ્યાં બધા જ નવીન ઉદ્યોગ શરૂ કરવા શક્ય છે, તેના મૂળમાં ગુજરાતનું ગુડ ગવર્નન્સ અને તેની પોલિસી છે.ગુજરાતના યુવાનો ઇનોવેશન ક્ષેત્રે આગળ વધે તે માટે ૨૨ યુનિવર્સિટીઓ સાથે ફિનટેક કોર્સને લગતા એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે.
નીતિ આયોગના ફેલો મેમ્બર અને ગિફ્ટ સિટીના સ્વતંત્ર ડાયરેક્ટર શ્રી દેબજાની ઘોષે કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ભારત સહિત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- AI ક્ષેત્રે નવીન બદલાવની સાથે સાથે મહત્વના સંશોધન થઈ રહ્યા છે.ગુજરાત શરૂઆતથી જ સેમિ કંન્ટકટર, ઈ-વાહન,બાયો ટેકનોલોજી, વર્લ્ડ ક્લાસ ઈનોવેશન ઈકો સિસ્ટમ,AI સહિત તમામ ક્ષેત્રોમાં નવીન સંશોધન કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
આ GCC પોલિસીના અમલીકરણ થકી ગુજરાત અને ભારત ઈનોવેશન ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે તેમ જણાવી શ્રી ઘોષે ગુજરાતને આ નવીન પોલિસી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ICT અને ઈ-ગવર્નન્સના ઇન્ચાર્જ ડાયરેક્ટર શ્રી મનિષ ગુરૂવાણી, IT ઉદ્યોગ જગતના મહાનુભાવો તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.