GCCIની ચૂંટણી- સિનયર વાઈસ પ્રેસિડન્ટના હોદ્દા માટે જામશે રસાકસીનો જંગ
જો કે, ઉપપ્રમુખપદની ચૂંટણીને ટાળવા માટેના સક્રિય પ્રયાસઃ ઉમેદવારોએ જારદાર લોબિંગ જારી કરી દીધું
અમદાવાદ, ૧૧ જુલાઇએ યોજાનારી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની ચૂંટણી રસપ્રદ બની રહેવાના એંધાણ છે. ચેમ્બરમાં અગાઉ વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા જયેન્દ્ર તન્ના અને હેમંત શાહે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી કરી છે. જ્યારે ભાવેશ લાખાણી ,કે આઈ પટેલ તથા અશોક પટેલે વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ફોર્મ ભર્યાં છે. જોકે, ચેમ્બરના કેટલાક સૂત્રોના મતે, ઉપ પ્રમુખપદની ચૂંટણી ટાળવા માટે પ્રયાસો થવાની સંભાવના છે. ચેમ્બરના બંધારણ મુજબ હાલના પ્રમુખ દુર્ગેશ બૂચના સ્થાને હાલના સિનિયર ઉપ પ્રમુખ નટુભાઈ પટેલ નવા પ્રમુખ તરીકે હોદ્દો સંભાળશે.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ ચેમ્બરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને મતદારોનો સંપર્ક પણ શરૂ કર્યો છે. તેમણે કહ્યું કે, ઓક્ટ્રોય અને વેટ માટેના પ્રશ્નોમાં વેપારીઓના પ્રશ્નો ઉઠાવવા ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું તે મુદ્દે મતદારોનો સંપર્ક કરીશ.” બીજી તરફ ચેમ્બરના કેટલાક જૂથના ટેકાથી અગાઉ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા હેમંત શાહે પણ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટપદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, “કોવિડ-૧૯ના કારણે વેપાર-ઉદ્યોગને મુશ્કેલી પડી છે તેમાંથી બહાર લાવવા અને ચેમ્બરના વિકાસ માટે વિવિધ પગલાં લેવાના મુદ્દે કામ કરીશું.”
કે.આઇ.પટેલ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન અને જીડીએમએના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “વેપાર- ઉદ્યોગના વિવિધ મુદ્દાની સરકારમાં રજૂઆત કરવા અને ઉકેલ લાવવાનો બહોળો અનુભવ છે તેથી ચેમ્બરની ચૂંટણીમાં ઉપ પ્રમુખપદ માટે દાવેદારી કરી છે.” ભાજપના વેપાર સેલના કન્વિનર ભાવેશ લાખાણીએ પણ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, “કોવિડ-૧૯ મહામારીના પગલે આત્મનિર્ભર ભારત અભિયાન વેગવંતુ છે ત્યારે ચેમ્બરમાં પણ ઉંમરલાયક હોદ્દેદારોના બદલે યુવાનોને સુકાન સોંપાવું જોઇએ તે હેતુથી મેં ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતમાં આગામી સમયમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે અનેક નવી તક ઊભી થવાની છે ત્યારે રાજ્ય સરકાર સાથે સંકલન કરી શકે તેવા ઉમેદવારની આવશ્યકતા છે.”
લાખાણી અગાઉ ગુજરાત ચેમ્બરમાં ટ્રેઝરર અને સેક્રેટરીના હોદ્દા સંભાળી ચૂક્યા છે. ઉમેદવારો ૨૦ તારીખ સુધીમાં પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી શકશે. ચેમ્બરમાં પ્રમુખ સહિત કુલ ૨૬ બેઠકો માટે ચૂંટણી યોજાશે તેમાં કોર્પોરેટ કેટેગરીની ત્રણ બેઠકો, બિઝનેસ એસોસિયેશન (સ્થાનિક)ની બે બેઠકો, બિઝનેસ એસોસિયેશન (બહારગામ)ની એક બેઠક, પેટ્રન-આજીવન સભ્ય (બહારગામ)ની એક બેઠક, રિજનલ ચેમ્બરની બે બેઠક અને સામાન્ય કારોબારી સમિતિ (સ્થાનિક)ની આઠ અને બહારગામની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ચેમ્બરની કોર્પોરેટ કેટેગરીની ત્રણ બેઠકો માટે ત્રણ ફોર્મ આવતાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે નહીં એ નક્કી થઇ ગયું છે. લાઇફ પેટ્રન મેમ્બર સ્થાનિક કેટેગરીમાં બે બેઠકો માટે પાંચ જ્યારે બહારગામની એક બેઠક માટે ત્રણ ઉમેદવારો છે. રિજનલ ચેમ્બર કેટેગરીની બે બેઠકો માટે બે જ ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હોવાથી તેની ચૂંટણી પણ ટળી છે.
બિઝનેસ એસોસિયેશનની સ્થાનિક કેટેગરીની બે બેઠકો માટે ચાર અને બહારગામની એક સીટ માટે ચાર ફોર્મ આવ્યાં છે. જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે ૧૮ અને બહારગામની ચાર બેઠકો માટે ૧૧ ઉમેદવારો મેદાનમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટે ને કતારમાં રહેલા ભાર્ગવ ઠક્કર એ એક વર્ષનો બ્રેક લેવાનો પ્રોમિસ આપ્યું હોવાથી આ વખતે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી. જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટેની તૈયારી કરી રહેલા વર્તમાન સેક્રેટરી સંજીવ છાજેડે પણ ચૂંટણી માટે ફોર્મ ભર્યું નથી.