Western Times News

Gujarati News

GCCI એ BIS અમદાવાદના સહયોગથી BIS ના 78મા સ્થાપના દિવસની ઉજવણીમાં “ક્વોલિટી કોન્ક્લેવ” નું આયોજન કર્યું 

અમદાવાદ, આ પ્રસંગે વક્તવ્ય આપતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય વિકાસમાં નોંધપાત્ર યોગદાન માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની પ્રશંસા કરી હતી અને દૈનિક જીવનમાં “સમાન ધોરણ સ્થાપન” ના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ ધ્યાન દોર્યું હતું કે ગુજરાત રાજ્યની નવી પ્રોક્યુરમેન્ટ પોલિસી દેશ માટેની “વિકસિત ભારત વિઝન” ના વ્યાપક ધ્યેયો સાથે સુસંગત છે.

તેઓએ ઉમેર્યું હતું કે સરકાર દ્વારા વિવિધ ખરીદી તેમજ પ્રાપ્તિ સંદર્ભે BIS ની વિવિધ જોગવાઈઓનું પાલન ખુબ જ જરૂરી તેમજ લાભદાયી છે. આ બાબતે BIS દ્વારા લેવામાં આવેલ વિવિધ નિર્ણયો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટેની વિઝનને સમર્થન આપે છે જે વિઝન નો ઉદ્દેશ આપણા દેશને તેની સ્વાતંત્ર્ય શતાબ્દી સુધીમાં આમૂલ પરિવર્તિત કરવાનો છે.

આ નીતિ આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ અને સુશાસનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પરિવર્તન ના મુખ્ય એજન્ટ તરીકે યુવાનોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. સરકારી પ્રાપ્તિમાં BIS સ્પષ્ટીકરણો ની આવશ્યકતા દ્વારા, ગુજરાત સરકાર માત્ર ઉચ્ચ ગુણવત્તાની ખાતરી જ નથી કરી રહી પણ એક એવું વાતાવરણ પણ ઉભું કરી રહી છે જે નવીનતા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપે છે તેમજ જેની વિવિધ જોગવાઈ વિકસિત ભારતની દ્રષ્ટિ સાથે અભિન્ન છે.

આ પ્રસંગે ઉદઘાટન સંબોધન કરતા GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને વિવિધ ઉદ્યોગોને BIS લાયસન્સ મેળવવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલ વિકસિત ભારત 2047 ના ભારતના વિઝનને સાકાર કરવા માટે ચાવીરૂપ છે, જેનો ઉદ્દેશ દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં રાષ્ટ્રને એક વિકસિત અર્થતંત્ર માં પરિવર્તિત કરવાનો છે.

તેમણે સતત ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા, ગ્રાહકોનો વિશ્વાસ વધારવા અને વૈશ્વિક બજારોમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે “સમાન ધોરણ સ્થાપન” પ્રક્રિયાને વેગ આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ભારત 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના પ્રયત્નો સાથે, આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો સાથે સુસંગત થવાથી માત્ર ભારતીય ઉત્પાદનો જ નહીં પરંતુ ગુણવત્તા ખાતરીમાં દેશને અગ્રેસર તરીકે સ્થાન મળશે. શ્રેષ્ઠતા માટે બેન્ચમાર્ક સેટ કરીને, ભારત અન્ય રાષ્ટ્રોને સમાન ધોરણો અપનાવવા માટે પ્રેરણા આપી શકે છે, ગુણવત્તા ની વૈશ્વિક સંસ્કૃતિમાં યોગદાન આપી શકે છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અને સહકારને લાભકારક સાબિત થશે.

શ્રી સુમિત સેંગર, ડાયરેક્ટર અને હેડ, BIS અમદાવાદ, BISની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને સંસ્થાના ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી. તેમણે જણાવ્યું કે, BISએ યુવાનોમાં ગુણવત્તા સભાનતાની ભાવના કેળવવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ્સ શરૂ કર્યા છે,

જેમાં દેશભરમાં 10,000 ક્લબોની સ્થાપના કરવામાં આવી છે. BISએ ગુજરાતમાં તેની અમદાવાદ ઓફિસ દ્વારા સેવા પૂરી પાડતા સ્થાનિક ઉદ્યોગોએ 6,500થી વધુ લાયસન્સ સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા છે. ઉત્પાદનની ગુણવત્તા અને ધોરણીકરણ વધારવામાં BISના વ્યાપક પ્રયાસોમાં ગુજરાત ખાસ કરીને મુખ્ય ફાળો આપનાર તરીકે પ્રસ્થાપિત થયેલ છે.

પ્રસ્તુત કોન્ક્લેવમાં વિવિધ ઉદ્યોગના અગ્રણીઓ અને વિવિધ સરકારી વિભાગો ના પ્રતિનિધિઓ તરફથી પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા અપનાવેલ તેઓના વિવિધ ઉત્પાદનોની “ગુણવત્તા ખાતરી” કરતી પદ્ધતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.