GCCI એન્યુઅલ ટ્રેડ એક્સ્પોમાં વિવિધ રાજ્યોમાંથી 16,000 થી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો

GCCI એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE ૨૦૨૫) બિઝનેસ ટ્રાન્સફોર્મેશન પરના શક્તિશાળી વિચારો સાથે સંપન્ન થયો.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા તેના મુખ્ય વાર્ષિક ટ્રેડ એક્સ્પો (GATE 2025)નું વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું, જેમાં વિક્રમજનક સહભાગિતા જોવા મળી. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી 16,000 થી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો અને 300 થી વધુ પ્રદર્શકોએ વિવિધ ઉદ્યોગોમાં અત્યાધુનિક નવીનતાઓનું પ્રદર્શન કર્યું હતું.
GCCI ના સિનિયર ઉપપ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ સમાપન સમારોહની શરૂઆત કરી અને એક્સ્પોની નોંધપાત્ર સફળતાઓ વિષે વાત કરી હતી. તેમણે ત્રણ દિવસ દરમિયાન થયેલા જ્ઞાન આદાનપ્રદાનની વાત કરી અને તમામ પ્રાયોજકો તેમજ ભાગીદારોનો નિષ્ઠાપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે આ અગ્રણી બિઝનેસ પ્લેટફોર્મને સાકાર કરવામાં તેમનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ હતો.
શ્રી રાજેશ ગાંધીએ ખાસ કરીને આ વર્ષની આવૃત્તિમાં જોવા મળેલી નવીનતા અને વિકાસ અંગેની અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકાને બિરદાવી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે GATE ૨૦૨૫ એ માત્ર વ્યાપાર પરિવર્તનને વેગ આપવાના તેના ઉદ્દેશ્યો જ સિદ્ધ કર્યા નથી, પરંતુ ગુજરાતમાં ભવિષ્યના ઔદ્યોગિક વિકાસ માટે મજબૂત પાયો પણ નાખ્યો છે.
તેમના સમાપન સંબોધનમાં, તેમણે સહભાગીઓને આવૃત્તિ માટે જોડાવવાનું આમંત્રિણ આપ્યું અને આગામી વર્ષમાં વધુ પ્રભાવશાળી આવૃત્તિ યોજવાનું વચન આપ્યું, જેનાથી ઉપસ્થિત શ્રોતાગણે સિદ્ધિની ભાવના અને ભવિષ્યના સહયોગ માટેની ઉત્સુકતા સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.
બિમાવાલે કંપની દ્વારા કોર્પોરેટ વીમા ઉપાયો પર એક માહિતીપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક વ્યવસાયો માટે જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓ અંગે ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. તેમના પ્રેઝેન્ટેશન, “કોર્પોરેટ અને ઉદ્યોગોમાં વીમા જાગૃતિ”, વાસ્તવિક પરિસ્થિતિઓના અભ્યાસ અને સંવાદ દ્વારા નાણાકીય સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
શ્રી અર્જુન વૈદ્ય, સ્થાપક, ડૉ. વૈદ્ય’ઝ: ન્યૂ એજ આયુર્વેદ, દ્વારા ડીટુસી બ્રાન્ડ કેવી રીતે બનાવવી અને વૈશ્વિક હાજરી કેવી રીતે ઊભી કરવી વિષય પર કુ. ઐશ્વર્યા જૈન દ્વારા સંચાલિત એક માહિતીસભર સંવાદમાં ભાગ લીધો. તેમણે એક ઉદ્યોગસાહસિક તરીકે પરંપરાગત આયુર્વેદને આધુનિક, ડિજિટલ-સંચાલિત વેલનેસ બ્રાન્ડમાં પરિવર્તિત કરવાની તેમની સફર વર્ણવી, અને આજના સીમાવિહીન વ્યાપારના પરિદૃશ્યમાં ગ્રાહક-કેન્દ્રિત વ્યૂહરચનાઓના મહત્વ પર ભાર મૂક્યો.
આ સમારોહનું મુખ્ય આકર્ષણ શ્રી સુનીલ શેટ્ટી, ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને સ્ટાર્ટઅપ રોકાણકાર અને માર્ગદર્શક હતા, જેમણે શ્રી પ્રિયંક શાહ, ચેરમેન, સ્ટાર્ટઅપ કમિટી, જીસીસીઆઈ દ્વારા સંચાલિત એક આકર્ષક સંવાદમાં સેલિબ્રિટી અભિનેતાથી સફળ ઉદ્યોગસાહસિક અને સ્ટાર્ટઅપ રોકાણકાર અને માર્ગદર્શક બનવાની તેમની સફર વિશે વાત કરી.
બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર-ઉદ્યોગસાહસિકે સિનેમાથી બિઝનેસ લીડરશિપ સુધીની તેમની વાસ્તવિક પરિવર્તનની કહાણીથી ઉપસ્થિત પ્રતિનિધિઓને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે વિચારો કરતાં અમલ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે ટકાઉ સાહસો ખંત અને ભાવિ ઉદ્યોગસાહસિકોને પોષવાની પ્રતિબદ્ધતા પર બને છે.
શ્રી તુષાર પરીખ, ચેરમેન, ગેટ ૨૦૨૫ દ્વારા પ્રાયોજકો અને સમિતિના સભ્યોને સન્માનિત કરવાના સમારોહ બાદ આભારવિધિ કરીને ઔપચારિક રીતે ગેટ ૨૦૨૫નું સમાપન કરવામાં આવ્યું. તેમણે આ એક્સ્પોને જ્વલંત સફળતા બનાવવા માટે તેમના નિર્ણાયક યોગદાનને સ્વીકાર્યું અને નોંધ્યું કે તેમના સામૂહિક પ્રયાસોએ વ્યવસાય પરિવર્તન માટે એક અજોડ પ્લેટફોર્મ કેવી રીતે બનાવ્યું.
ગેટ ૨૦૨૫ ના પ્રદર્શકોએ સમગ્ર આયોજન, મુલાકાતીઓની સંખ્યા અને કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી વ્યાપાર તકો અંગે અત્યંત સંતોષ વ્યક્ત કર્યો હતો. ઘણા લોકોએ ગેટ ૨૦૨૫ની ગુણવત્તા, ઉપસ્થિત લોકોની સુસંગતતા અને પ્લેટફોર્મ દ્વારા મળેલા એક્સપોઝર પર ભાર મૂક્યો હતો.
કેટલાક પ્રદર્શકોએ ત્રણ દિવસ દરમિયાન મજબૂત લીડ્સ અને મૂલ્યવાન ભાગીદારી નોંધાવી હતી. મોટાભાગના પ્રદર્શકોએ આગામી આવૃત્તિમાં ભાગ લેવા માટે ઊંડી રુચિ દર્શાવી છે અને જણાવ્યું હતું કે તેઓ ગેટ ૨૦૨૬ માં વધુ મોટા અને વધુ સારા પ્રદર્શનની રાહ જોઈ રહ્યા છે.