બોડી લેન્ગવેજથી લઈને ડ્રેસ કોડ સુધી – GCCI BWC માં માનસી પટેલે આપી વ્યાવસાયિક ઇમેજ મેનેજમેન્ટની માહિતી

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત “ઈન્ફ્લુઅન્સ વિથ ઇમેજ બિલ્ડીંગ” વિષય પર કાર્યક્રમ
“પ્રથમ છાપ જ છેલ્લી છાપ” – ટેન્થ મ્યુઝના સ્થાપક માનસી પટેલે BWC સભ્યોને શીખવ્યું ઇમેજ બિલ્ડિંગ
Ahmedabad, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), બિઝનેસ વુમન કમિટી દ્વારા તારીખ 4થી જૂન, 2025 ના રોજ “ઈન્ફ્લુઅન્સ વિથ ઇમેજ બિલ્ડીંગ” વિષય પર એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ટેન્થ મ્યુઝ ઇમેજ મેનેજમેન્ટના સ્થાપક શ્રીમતી માનસી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા BWC ના ચેરપર્સન પ્રાચી પટવારીએ સકારાત્મક પ્રભાવ પ્રસ્થાપિત કરવા માટે એક વ્યક્તિની ઇમેજ પર ખાસ ભાર મૂક્યો હતો.
તેઓએ ઉમેર્યું હતું કે અન્ય લોકો સાથેની વાતચીતમાં બિન-મૌખિક વર્તાવ તેટલો જ મહત્વપૂર્ણ બની રહે છે જેટલું મહત્વ આ સમયે વાર્તાલાપ દરમિયાન વ્યક્તિ દ્વારા બોલાતા શબ્દોનું છે. તેઓએ શ્રીમતી માનસી પટેલ નું સ્વાગત કર્યું અને ઉમેર્યું હતું કે તેઓ દ્વારા માર્ગદર્શન સૌ સહભાગીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
GCCI BWC ના કો. ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયાએ મુખ્ય વક્તા નો પરિચય કરાવતા જણાવ્યું હતું કે શ્રીમતી માનસી પટેલ ટેન્થ મ્યુઝ ઇમેજ મેનેજમેન્ટ કંપની ના સ્થાપક હોવા ઉપરાંત તેઓ એક બહુમુખી વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ એક સફળ ટેલિકોમ સેલ્સ પ્રોફેશનલ તેમજ એક કુશળ હોર્સ રાઇડર અને ક્લાસિકલ નૃત્યમાં પણ પારંગત છે. શ્રીમતી માનસી પટેલે વોડાફોન, યુ ટેલિકોમ, ટાટા કોમ્યુનિકેશન લિમિટેડ વગેરે પ્રખ્યાત કંપનીઓ થકી 25 વર્ષથી પણ વધુ સમય માટે સુંદર સેવાઓ પુરી પાડેલ છે.
આ પ્રસંગે બોલતા, શ્રીમતી માનસી પટેલે વ્યક્તિની પ્રથમ ઇમેજ બાબતે તેઓના વ્યક્તિગત દેખાવ, પોશાક, સ્વ-માવજત અને બોડી લેન્ગવેજ ઉપર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ બાબતો વ્યાવસાયિક છબી અને વિશ્વસનીયતાને આકાર આપવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે સહભાગીઓ સાથે “ઇમેજ સાયકલ” ના કન્સેપટ વિષે વાત કરી હતી અને બિન-મૌખિક સંકેતોની અસર વિશે સમજ પુરી પાડી હતી. તેઓએ ભારતીય વ્યાવસાયિક વસ્ત્રોને અનુરૂપ આંતરરાષ્ટ્રીય શૈલી સ્કેલ વિશે પણ માહિતી આપી હતી.
સહભાગીઓએ વિવિધ ઇન્ટરેક્ટિવ એક્સરસાઇઝ દ્વારા સ્વ-મૂલ્યાંકન અને વધુ સારી ઇમેજ સંચાલન માટે વ્યક્તિગત પરિવર્તન લક્ષ્યાંકો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે અસરકારક છબી સંચાલન આત્મવિશ્વાસ, ક્ષમતા અને ઉત્પાદકતાને વધારે છે.
GCCI BWC ના નોલેજ સિરીઝ હેડ શ્રીમતી ગોપી ત્રિવેદી દ્વારા આભાર વિધિ પછી કાર્યક્રમનું સમાપન થયું હતું.