Western Times News

Gujarati News

ઉદ્યોગો શરૂ કરતા પહેલાં લેવાની થતી મંજૂરીઓની માર્ગદર્શિકાનું વિમોચન કરાયું

ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ ‘XGN’નો પ્રારંભ

અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે આયોજીત કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગો શરૂ કરતા પહેલાં લેવાની થતી મંજૂરીઓની માર્ગદર્શિકાનું વિમોચન

અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આયોજીત સેમિનારમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગો શરૂ કરતા પહેલાં લેવાની થતી મંજૂરીઓની માર્ગદર્શિકાનું વિમોચન તેમજ  ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ ‘XGN’નો પ્રારંભ કરાવ્યો હતો. GCCI- Egovernance platform XGN

ઉદ્યોગકારોએ ઉદ્યોગ સ્થાપતા પહેલા અને ઉદ્યોગ ચલાવવા માટે જુદા-જુદા પર્યાવરણીય કાયદાઓ મુજબ બોર્ડની કન્સેન્ટ મેળવવાની રહે છે. ઉદ્યોગકાર દ્વારા સરળતાથી જાતે કન્સેન્ટ મેળવવા માટેની ઓનલાઇન અરજી કરી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટના ચેકલિસ્ટ તથા ફોર્મેટ બાબતની પુસ્તિકા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે જેનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

આ ઉપરાંત ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GDMA)ના સહયોગથી સંયુક્ત રીતે ઉદ્યોગો થકી પ્રદુષણના નિકાલ વિષય પર એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. આ સાથો-સાથ કાપડ ઉદ્યોગ થકી પ્રદૂષણની અસર અને તેના નિવારણ માટે વિવિધ નાવિન્યસભર તકનીકોના ઉપયોગ વિશેનો સેમિનાર પણ યોજાયો હતો.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે રાજ્ય સરકારની પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની વાત કરી હતી.

તેમણે કહ્યું કે, પર્યાવરણ સુરક્ષા આપણા સૌની ભવિષ્યની પેઢી પ્રત્યેની નૈતિક ફરજ છે. સાથે સાથે ગુજરાત ઔદ્યોગિક વિકાસના માર્ગ પર તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે અને બધા જ સ્ટેક હોલ્ડર્સ માટે જરૂરી છે કે આપણે તમામ નાવીન્યતા સભર ઉપાયોનો અભ્યાસ કરી તેનો ત્વરિત અમલ કરી આ બાબતે સંતુલન સાધવા પ્રયત્નશીલ થવું પડશે.

આ પ્રસંગે જીપીસીબીના ચેરમેન શ્રી આર.બી. બારડ અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણ કુમાર સોલંકીએ પોતના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, ઔદ્યોગિક વિકાસની સાથે સાથે આપણા સૌની પર્યાવરણ સુરક્ષા પ્રત્યે પણ એટલી જ નૈતિક ફરજ રહેલી છે. ઔદ્યોગિક એકમોએ જવાબદારીપૂર્વક ઔદ્યોગિક વિકાસ તેમજ પર્યાવરણ સુરક્ષા વચ્ચે સમન્વય સાધવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.