વિકસિત ગુજરાત 2047ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેને GCCIના સભ્યોએ આવકાર્યુ

20 ફેબ્રુઆરી 2025ના રોજ, ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) નાણાકીય વર્ષ 2025-26 માટે દૂરંદેશી અને પ્રગતિશીલ બજેટ રજૂ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરે છે. આજે રજૂ થયેલું બજેટ વિકસિત ગુજરાત 2047ના વિઝન સાથે સુસંગત છે અને રાજ્યની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ અને સામાજિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે રાજ્યના બજેટ 2025-26 પર પ્રતિસાદ આપતા ગુજરાત સરકારની પ્રશંસા કરી છે. આ બજેટ આર્થિક વૃદ્ધિ અને સામાજિક કલ્યાણ વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. માળખાગત સુવિધાઓ, ગ્રીન એનર્જી અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન આપીને, ગુજરાતને વૈશ્વિક રોકાણ માટે વધુ મજબૂત સ્થળ બનાવવાની દિશામાં આગળ ધપાવશે. MSME, સ્ટાર્ટ-અપ્સ અને પ્રવાસન ઉદ્યોગ પરના જે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તે થકી ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયો માટે નવી તકો ઊભી થશે. રિન્યુએબલ ઊર્જા અને પર્યાવરણીય સ્થિરતાની ફાળવણી રાજ્યની ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે વૈશ્વિક પર્યાવરણીય ધ્યેયો સાથે સંકલિત છે.
GCCI ના પદાધિકારીઓએ રાજ્યના બજેટનું સ્વાગત કરતા તેમાં રજૂ કરાયેલા કેટલાક પ્રગતિશીલ પગલાંઓ ની પ્રશંસા કરી છે:
- આર્થિક વૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસ
- GDP યોગદાન: ગુજરાત ભારતના GDPમાં3% યોગદાન આપે છે, જ્યારે રાજ્યનો વિસ્તાર ફક્ત 6% અને વસ્તી 5% છે. 2030 સુધીમાં આ યોગદાનને 10% થી ઉપર પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
- ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs): ગુજરાતમાં GCCs દ્વારા 50,000 નવી નોકરીઓ સર્જવાની અપેક્ષા છે, જે તેને વૈશ્વિક વ્યાપાર કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે.
- MSME અને ઉદ્યોગ સહાય: MSME, સ્ટાર્ટ-અપ્સ અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ₹3,600 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે, જેનાથી ગુજરાતને રોકાણ માટે વધુ આકર્ષક બનાવશે.
- મત્સ્યઉદ્યોગ વિકાસ: માછીમારો અને બોટ માટે ₹1,622 કરોડનું પેકેજ માછલી ઉછેર, સંગ્રહ, પ્રક્રિયા અને નિકાસને વેગ આપશે.
- 2. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ
- વિકસિત ગુજરાત ફંડ: પાંચ વર્ષમાં ₹50,000 કરોડનું ફંડ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેમાં આ બજેટમાં પ્રારંભિક ફાળવણી ₹5,000 કરોડની છે.
- એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ: નમો શક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે ગુજરાતની કનેક્ટિવિટી અને પર્યટન ઉદ્યોગ માટે ક્રાંતિકારી સાબિત થશે.
- મેટ્રો અને હાઇ–સ્પીડ કોરિડોર: અમદાવાદ-સુરત મેટ્રો વિસ્તાર અને 12 નવા હાઇ-સ્પીડ કોરિડોર શહેરી ગતિશીલતાને સુધારશે.
- ડીપ–સી પ્રોજેક્ટ્સ: અંકલેશ્વર, વાપી, સુરત, અમદાવાદ, જંબુસર અને સાયખા જેવા ઉદ્યોગ કેન્દ્રો માટે ₹785 કરોડ ફાળવવામાં આવ્યા.
- ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
- રિન્યુએબલ ઊર્જા: 2030 સુધીમાં 100 GW નવા ઊર્જા પેદાશનું લક્ષ્ય, જેમાં કચ્છમાં 37 GW ની ક્ષમતાવાળો ઊર્જા પાર્ક શામેલ.
- EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ₹100 કરોડ ફાળવવામાં આવ્યા.
- આબોહવા સ્થિતિસ્થાપકતા: બજેટમાં આપત્તિ-પ્રતિરોધક માળખાગત સુવિધાઓ અને સસ્ટેનેબલ ફોરેસ્ટ મેજમેન્ટ ને પ્રોત્સાહન.
- 4. પ્રવાસન અને સાંસ્કૃતિક વિકાસ
- પ્રવાસન: 2024માં ગુજરાતે63 કરોડ પ્રવાસીઓનું સ્વાગત કર્યું. દ્વારકા, સોમનાથ, અંબાજી સહિત પ્રવાસન વિકાસ માટે ₹6,505 કરોડ ફાળવવામાં આવ્યા.
- સાંસ્કૃતિક વારસો: ભુજમાં આવેલા સ્મૃતિવનને યુનેસ્કો દ્વારા વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલયોમાં સ્થાન મળ્યું.
- કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જન
- કૌશલ્ય વિકાસ: ITI અપગ્રેડેશન અને AI લેબ્સ માટે ₹450 કરોડની ફાળવણી
- રોજગાર: GCC નીતિ દ્વારા 50,000 નોકરીઓ, જ્યારે નવી કાપડ નીતિ અને ઉત્પાદન પાર્ક દ્વારા 5 લાખ નોકરીઓ સર્જાશે
- અન્ય મુખ્ય જોગવાઈઓ
- રો વોટર સપ્લાય : PM મિત્રા પાર્ક પહેલ હેઠળ નવસારી પ્રોજેક્ટ માટે ₹300 કરોડ ફાળવાયા.
- ધોલેરા SIR: હોસ્પિટલ, શાળાઓ, ફાયર સ્ટેશનો સહિત સંકલિત રહેણાંક ટાઉનશીપ માટે ₹200 કરોડની ફાળવણી.
- લોજિસ્ટિક્સ: સહાય યોજના-2021 હેઠળ સંકલિત લોજિસ્ટિક્સ માટે ₹25 કરોડની ફાળવણી.
- સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત
મોર્ટગેજ ડીડ્સ: ₹1 કરોડ સુધીની લોન માટે મોર્ટગેજ ડીડ્સ પરની સ્ટેમ્પ ડ્યુટી ₹25,000 થી ઘટાડીને ₹5,000 કરવામાં આવી, જે ઉદ્યોગસાહસિકોને નાણાકીય રાહત આપશે.
GCCI, તેના તમામ સભ્યો અને ઉદ્યોગ-વ્યાપાર સમુદાય વતી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને માનનીય ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને આ પ્રગતિશીલ બજેટ પ્રસ્તુત કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે.