GCCIએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો: ડિફેન્સ કોરિડોરમાં ગુજરાતનો સમાવેશ કરવા રજૂઆત
ગુજરાત પાસે ડિફેન્સ કોરિડોર માટેની તમામ સુવિધા અને ક્ષમતા છેે, ગુજરાતમાં ડિફેન્સ કોરિડોર હશે તો ડિફેન્સ સેક્ટરને ફાયદો થશે
અમદાવાદ, કેન્દ્ર સરકાર આર્ત્મનિભર ભારત અભિયાન હેઠળ હવે સંરક્ષણ ક્ષેત્રમાં આર્ત્મનિભર બનવા માંગે છે. સેનાની જરૂરીયાતો દેશમાં પૂરી થાય અને દરેક વસ્તુનું ઉત્પાદન દેશમાં થાય તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ માટે ઉત્તર પ્રદેશમાં સંરક્ષણ કોરિડોર બનાવવાની તૈયારી પણ ચાલી રહી છે.
ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને ગુજરાતનો સમાવેશ ડિફેન્સ કોરિડોરમાં કરવા માટે રજૂઆત કરી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈડસ્ટ્રીઝ દ્વારા ગુજરાતનો સમાવેશ ડિફેન્સ કોરિડોરમાં કરવા માટે પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથીક પટવારીએ કહ્યુ કે, ગુજરાત પાસે ડિફેન્સ કોરિડોર માટેની તમામ સુવિધા અને ક્ષમતા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ડિફેન્સ કોરિડોર હશે તો ડિફેન્સ સેક્ટરને ફાયદો થશે.
તેમણે કહ્યું કે, આ માટે ગુજરાત પાસે ઉત્તમ માળખું છે. ગુજરાત ડિફેન્સ સાધનોના ઉત્પાદનમાં ગેમચેન્જર સાબિત થશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ૪૨ દરિયાઈ બંદર, ૧૭ એરપોર્ટ અને એરસ્ટ્રીપની વ્યવસ્થા છે. તો રાજ્યમાં ૭૫ હજાર કિલોમીટરના રસ્તા અને ૮ હજાર કિલોમીટરનો રેલવે ટ્રેક પણ છે.
તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં આઠ ટકા હિસ્સો ગુજરાતમાં છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈડસ્ટ્રીઝ દ્વારા કહેવામાં આવ્યું કે રાજકોટ અને સુરતમાં રીવોલ્વર બનાવતી કંપની છે. સુરતના હઝીરા ખાતે નાના શીપ અને ટેન્ક આકાર પામે છે. આર્મીના હેલ્મેટ બનાવતા બે પ્લાન્ટ પણ ગુજરાતમાં છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈડસ્ટ્રીઝનું કહેવું છે કે સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ યુનિફોર્મ કાપડનું ઉત્પાદન પણ ગુજરાતની કંપની પાસે છે.
૪૦ ટકા એમએસએમઇ ગુજરાતમાં કાર્યરત છે. રાજકોટ એન્જિનિયરિંગ તો જામનગર બ્રાસ ડિફેન્સમાં જરૂરી પાર્ટ બનાવવામાં અવ્વલ છે. દેશમાં ડિફેન્સ બજેટ ૫ લાખ કરોડ રૂપિયાનું છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે કહ્યું કે, જાે રાજ્યમાં ડિફેન્સ કોરિડોર બનશે તો તેનો લાભ રાજ્યને મળશે.
રાજ્યમાં તેનાથી રોજગારીની તકો પણ વધવાની છે. જાે સરળ ભાષામાં સમજીએ તો ડિફેન્સ કોરિડોર એક એવો રૂટ છે જેમાં ઘણા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેનામાં ઉપયોગમાં લેવાતા સામાનનું ઉત્પાદન તે શહેરોમાં કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશમાં આગ્રા, અલીગઢ, ચિત્રકૂટ, ઝાંસી, કાનપુર અને લખનૌનો સમાવેશ થાય છે.
તેમજ ચેન્નઈ, હોસુર, સાલેમ, કોઈમ્બતુર અને તિરુચિરાપલ્લી શહેરોને તમિલનાડુમાં સામેલ કરવામાં આવ્યા છે. આ શહેરોમાં ઉદ્યોગનો વિકાસ કરવામાં આવશે. જેમાં તે ઔદ્યોગિક સંસ્થાઓને ભાગ બનાવવામાં આવશે જે સંરક્ષણ ક્ષેત્રને લગતી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. હાલમાં ઉત્તર પ્રદેશના ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરનું નિર્માણ ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ વે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.