GCCIના NRG ટાસ્ક ફોર્સ દ્વારા “NRI માટે મેરેજ અવેરનેસ સેમિનાર” નું થયેલ આયોજન
અમદાવાદ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના એન.આર.જી ટાસ્ક ફોર્સ દ્વારા તારીખ 20 મી જાન્યુઆરી, 2025 ના રોજ, JG યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “NRI મેરેજ અવેરનેસ સેમિનાર”નું આયોજન થયું હતું. GCCI NRI Marriage Awareness Seminar
પ્રસ્તુત સેમિનારમાં એનઆરઆઈ સાથે લગ્ન સંબંધ બાબતે વિવિધ કાનૂની જોગવાઈઓ તેમજ સાયબર અને સામાજિક પડકારો અંગે માહિતી પુરી પાડવા વિવિધ પ્રતિષ્ઠિત વક્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ પ્રસ્તુત વિષયો પર સુંદર માહિતી પુરી પાડી હતી તેમજ વિવિધ પડકારોને પહોંચી વળવા બાબતે નિવારક પગલાં વિશે વાત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં GCCI એનઆરજી ટાસ્ક ફોર્સ ના અધ્યક્ષ શ્રી હિમાંશુ વ્યાસે થીમ સંબોધન કર્યું હતું તેમજ ઉપસ્થિત સન્માનનીય મહેમાનોનો પરિચય આપ્યો હતો. તેઓએ પોતાના વક્તવ્યમાં GCCI ના NRG ટાસ્કફોર્સની ભૂમિકા અને મિશન અંગે માહિતી પૂરી પાડી હતી તેમજ વૈશ્વિક ગુજરાતી ડાયસ્પોરા દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોનો સામનો કરવાની એન.આર.જી ટાસ્કફોર્સની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
તેમણે બિન-નિવાસી ગુજરાતીઓ અને તેમના વતન વચ્ચેના જોડાણને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે કાનૂની, સામાજિક અને આર્થિક બાબતોમાં તેમને ટેકો આપવાના હેતુથી ટાસ્કફોર્સની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પહેલો પર પણ પ્રકાશ પાડ્યો હતો. શ્રી હિમાંશુ વ્યાસે NRI લગ્નોની આસપાસની જટિલતાઓને સંબોધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમજ આશા વ્યક્ત કરી હતી કે પ્રસ્તુત અવેરનેસ સેમિનાર આ અંગે યોગ્ય માહિતી તેમજ ઉકેલો પુરા પાડશે.
પ્રસ્તુત સેમિનારમાં વિવિધ વક્તાઓએ સુંદર માહિતી પુરી પાડી હતી.
- શ્રી રાજેશ પોરવાલ, પોલીસ ઈન્સ્પેક્ટર, સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદે સાયબર ફ્રોડના વધતા જતા જોખમ અને સાયબર છેતરપિંડી જાગૃતિના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી હતી.
- નામાંકિત વકીલ ડૉ. જુલી વખારીયાએ એનઆરઆઈ લગ્નમાં સંકળાયેલી કાનૂની ગૂંચવણો અને પડકારો વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેમજ આ બાબતે વિવિધવ્યવહારુ સલાહ આપી હતી.
- ગથરાજ એન્ડ કંપનીના સ્થાપક અને અગ્રગણ્ય વકીલશ્રી અભિજિત ગથરાજે, કાનૂની પાસાઓ પર ઊંડી માહિતી તેમજ અધિકારો ની સુરક્ષા અને NRI લગ્નના સંજોગોમાં કાનૂની વિવાદોને સંબોધિત કરવા અંગેની મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી હતી.
સેમિનારમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદની મહિલા લોકરક્ષક શ્રી શિવાંગી મુકુન્દ્રેનું યોગદાન નોંધપૂર્ણ રહ્યું હતું. તેઓએ મહિલા-કેન્દ્રિત દૃષ્ટિકોણથી સાયબર મુદ્દાઓને સંબોધિત કરવા માટે મૂલ્યવાન પરિપ્રેક્ષ્યો રજૂ કર્યા હતા.
એનઆરજી ટાસ્ક ફોર્સના કો-ચેરમેન શ્રી હેમલ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.