GCS મેડીકલ કોલેજમાં સીનીયરો હેરાન કરતા હોવાની નનામી ફરીયાદ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત મેડીકલ કોલેજ, હોસિપટલ એન્ડ રીસર્ચ સેન્ટર જીસીએસમાં અભ્યાસ કરતાં મેડીકલના જુનીયર વિધાર્થીઓને સીનીયર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની નનામી ફરીયાદ સત્તાધીશો સમક્ષ કરવામાં આવી છે. આ ફરીયાદમાં તાકીદે યોગ્ય ઉકેલ લાવવામાં ન આવે તો યુજીસી સહીત પોલીસ ફરીયાદ કરવાની પણ ચીમકી અપાઈ છે.
જીસીએસ મેડીકલ કોલેજના વિધાર્થીઓના હવાલા સાથે એક નનામી ફરીયાદ થઈ છે. કોલેજ સત્તાધીશોના નામે કરાયેલી ફરીયાદમાં એવો ઉલ્લેખ છેકે, સીનીયર વિધાર્થીઓને હેરાનગતિ ન કરવા માટે વારંવાર વિનંતી કરવા છતાં તેઓ માનતા નથી અને હેરાનગતિ ચાલુ રાખી છે. સીનીયરોની આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે જુનીયર વિધાર્થીઓએ કોલેજમાં જવું મુશ્કેલ થઈ ચુકયું છે.
વિધાર્થીઓની આ પ્રકારની સ્થિતી સીધી અસર વિધાર્થીઓઅના અભ્યાસ પર પડી રહી છે. એટલું જ નહી હોસ્પીટલની કામગીરી પર પણ તેની અસર પડતી હોય છે. આ પ્રકારની ઘટના અંગે જુનીયર વિધાર્થીઓ દ્વારા સંબંધીત અધ્યાપકો સહીત તમામનું ધ્યાન દોયું હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. સીનીયર વિધાર્થીઓના ડરના કારણે તેમના નામનો ઉલ્લેખ કરતા નથી પરંતુ આ ફરીયાદને ગંભીરતા સમજીને યોગ્ય કાર્વાહી કરવા પણ અનુરોધ કરાયો છે.
ફરીયાદમાં એવી ચીમકી પણ અપાઈ છે. આગામી દિવસમાં આ ફરીયાદ અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો યુજીસી ઉપરાંત પોલીસમાં પણ ફરીયાદ મોકલીને વીડીયો સહીતના પ્રુફ પર રજુ કરાશે. જોકે, કોલેજ સત્તાધીશો કહે છે કે નનામી ફરીયાદ મળી હતી, જેના આધારે તપાસ પણ કરાઈ પરંતુ રેગીગ કે હેરાનગતિ થતી હોય તેવી કોઈ ઘટના સામે આવી નથી.