GDP છ વર્ષના તળીયે : શેરબજારમાં કડાકોઃ બેકારી વધશે
નવી દિલ્હી: દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટીને ૪.૫ ટકા રહ્યો છે. તે છેલ્લા ૨૬ ત્રિમાસિકમાં સૌથી ઓછો છે. તેનાથી ઓછો ૪.૩ ટકા જાન્યુઆરી-માર્ચ ૨૦૧૩માં રહ્યો હતો. એપ્રિલ-જૂનમાં ગ્રોથ ૫ ટકા અને ગત વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં ૭ ટકા રહ્યો હતો. આ વર્ષેના એપ્રિલથી સપ્ટેમ્બરના ૬ મહીનામાં ગ્રોથ ૪.૮ ટકા નોંધાયો હતો. ગત વર્ષે આ છ મહિનામાં તે ૭.૫ ટકા હતો.
મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યનનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે. ત્રીજા ત્રિમાસિક(ઓક્ટોબર-ડિસેમ્બર)થી જીડીપી ગ્રોથ વધવાની શક્યતા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જીડીપી ગ્રોથમાં ઘટાડાને લઈને સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું- જીડીપી ગ્રોથ ૬ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, છતાં પણ ભાજપ જશ્ન કેમ મનાવી રહી છે ? ભાજપ માટે જીડીપી ગોડસે ડિવાઈસિવ પોલિટિક્સ છે.
દેશમાં પ્રવર્તી રહેલી આર્થિક સુસ્તીની અસર કોર સેક્ટર ઉત્પાદન પર પણ જાવા મળી રહી છે. આર્થિક મંદીની અસર દેખાય તે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં આઠ કોરનું ઉત્પાદન ૫.૮ ટકા સુધી ઘટી ગયું છે. સરકાર દ્વારા આજે આ અંગેના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આઠ કોર ઇન્ડસ્ટ્રી પૈકી છમાં ઓક્ટોબર મહિનામાં આઉટપુટમાં ઘટાડો નોંધાયો છે.
કોલ પ્રોડક્શન અથવા તો કોલસાના ઉત્પાદનમાં ૧૭.૬ ટકાનો, ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે.
આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે. રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે. ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો. આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે.
એપ્રિલ-ઓક્ટોબરના ગાળા કોર ઇન્ડસ્ટ્રી ગ્રોથ ૦.૨ ટકા ઘટીને એક વર્ષ અગાઉના ગાળામાં ૫.૪ ટકાની સામે હવે ૦.૨ ટકા રહ્યો છે. ૮ કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં આઉટપુટ સપ્ટેમ્બર મહિનામાં ૫.૧ ટકા સુધી ઘટી ગયો હતો. એક દશકમાં આ સૌથી નીચી સપાટી જાવા મળી હતી. આર્થિક મંદીની સીધી અસર કોર સેક્ટર ઉપર જાવા મળી છે જેના પરિણામ સ્વરુપે ઓક્ટોબર મહિનામાં કોર સેક્ટર આઉટપુટ ૫.૮ ટકા સુધી ઘટ્યો છે. શેરબજારમાં છેલ્લા બે દિવસથી જારી તેજી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. મુંબઈ સ્ટોક એક્સચેંજમાં સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઘટીને આજે બંધ રહ્યો હતો.
જીડીપી વૃદ્ધિ આંકડા જારી કરવામાં આવે તે પહેલા રોકાણકારો સાવધાન દેખાયા હતા. સેંસેક્સ કારોબાર દરમિયાન એક વખતે ૪૬૬ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો. જા કે, મોડેથી તેમાં આંશિક સુધારો થયો હતો. અંતે સેંસેક્સ ૩૩૬ પોઇન્ટ ઘટીને ૪૦૭૯૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૨૦૫૬ની નીચી સપાટીએ રહ્યો હતો.