ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી ૪.૮ ટકા હોવાનો અંદાજ

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર ૨૦૨૫-૨૬ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન તેની મહેસૂલ ખાધને પહોંચી વળવા માટે મુદતી બોન્ડ મારફત રૂ.૮ લાખ કરોડનું જંગી ઋણ લેશે.
સરકારે આગામી નાણાકીય વર્ષ દરમિયાન બજારમાંથી કુલ રૂ.૧૪.૮૨ લાખ કરોડનું ઋણ લેવાનો બજેટમાં અંદાજ વ્યક્ત કર્યાે હતો. આમાંથી રૂ.૮ લાખ કરોડ અથવા કુલમાંથી ૫૪ ટકા ઋણ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં લેવામાં આવશે.
નાણા મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે રૂ.૮ લાખ કરોડનું ઋણ લેવા માટે સરકાર બજારમાં મુદતી સિક્યોરિટીનું વેચાણ કરશે. તેમાં રૂ.૧૦,૦૦૦ કરોડના સોવરિન ગ્રીન બોન્ડ્સનો પણ સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારામને આગામી નાણાકીય વર્ષમાં મહેસૂલ ખાધને પહોંચી વળવા માટે ડેટેડ સિક્યોરિટીઝ જારી કરીને રૂ.૧૪.૮૨ લાખ કરોડનું ઋણ લેવાની બજેટમાં દરખાસ્ત કરી હતી.
૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં સરકારની રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪ ટકા રહેવાનો અંદાજ છે, જે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના ૪.૮ ટકા હોવાનો અંદાજ છે. ૨૦૨૫-૨૬ માટે સરકારની રાજકોષીય ખાધ રૂ.૧૫,૬૮,૯૩૬ કરોડ રહેવાનો અંદાજ છે.રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે મુદતી સિક્યોરિટી મારફતનું ચોખ્ખું બજાર ઋણ આશરે રૂ.૧૧.૫૪ લાખ કરોડ છે.
બાકીની રકમ નાના બચતો અને બીજા માધ્યમો મારફત એકત્ર કરાશે. સીતારામને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે ૨૦૨૫-૨૬માં સરકારની ઋણ સિવાયની કુલ આવક રૂ.૩૪.૯૬ કરોડ અને કુલ ખર્ચ રૂ.૫૦.૬૫ કરોડ રહેવાનો અંદાજ છે. ટેક્સ મારફતની કુલ આવક રૂ.૨૮.૩૭ લાખ કરોડ રહેવાનો અંદાજ છે.SS1MS