Western Times News

Gujarati News

અમદાવાદની મિલ્કતો પર જિઓ ટેગીંગ કરવામાં આવશે

નાગરિકો QR કોડ સ્કેન કરી ફરિયાદ કરી શકશે.: શહેરની તમામ પ્રોપર્ટીની માહિતી હાથવગી રહેશે : દેવાંગ દાણી  

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકતોની બહાર QR કોડ સાથેની પ્રોપર્ટી પ્લેટ લગાવવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું  છે. તમામ મિલકતોનું GIS મેપિંગ તેમજ પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય વિભાગની કામગીરી માટે ખૂબ જ ઉપયોગી થશે. નાગરિકો માટે વિવિધ યોજનાઓથી લઈ પ્રાથમિક સુવિધાના કામો માટે પણ આ QR કોડ પ્રોપર્ટી પ્લેટ ઉપયોગી બનશે. .

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં આવેલી મિલકતોનું GIS મેપિંગ થાય અને લોકોને તેમની પ્રાથમિક સુવિધાઓની ફરિયાદોથી લઈ અને તમામ જાણકારી મળી રહે તેના માટે QR કોડ પ્રોપર્ટી પ્લેટ લગાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે અલગ-અલગ તબક્કામાં કામગીરી થશે. પ્રથમ તબક્કામાં શહેરની તમામ મિલકતોનું ડ્રોન દ્વારા તેમજ GIS આધારીત મેપિંગ થશે.

જેનું મેપિંગ થયા બાદ મિલકતોના ટેક્સ બિલ આધારે તમામ મિલકતોનો એક અલગ QR જનરેટ કરવામાં આવશે. જે પણ મિલકત પર આ પ્લેટ લગાવવામાં આવશે, તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સંબંધિત તમામ વિભાગો જેમ કે ટેક્સ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ફાયર સેફ્ટી, ફૂડ લાયસન્સ, મિલકતની કાયદેસરતા વગેરે અંગેની માહિતી ભાવેશ કરાઈ છે, જે QR કોડ સ્કેન કરતા જ મળી રહેશે.

આ પ્લેટ તમામ મિલકતની બહાર લગાવવામાં આવશે. ખાસ કરીને કોમર્શિયલ મિલકતો માટે આ પ્લેટ ઉપયોગી બની રહેશે કારણ કે, તેમાં પ્રોફેશનલ ટેક્સથી લઈને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગેની માહિતી પણ મળી રહેશે.

ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવા આવનાર ડોર ટુ ડોરની ગાડીના ડ્રાઈવર દ્વારા પણ આ QR કોડને સ્કેન કરવો પડશે. જેથી, કચરો કઈ મિલકતમાંથી લેવામાં આવ્યો છે તેની જાણકારી મળી રહેશે. જો નાગરિકોને કોઇપણ પ્રકારની ફરિયાદ હોય તો આ QR કોડને સ્કેન કરતાં જ તેમાં મ્યુનિ.ની વિવિધ સેવાઓની ફરિયાદ કરી શકશે.

ખાસ કરીને આ પ્રોપર્ટી પ્લેટ લગાવવાના કારણે શહેરમાં કોમર્શિયલ અને પ્રોપર્ટીની તમામ મિલકતોનો ડેટા કોર્પોરેશન પાસે આવી જશે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સની આવકમાં પણ વધારો થશે. આ QR કોડ સ્કેન કરી તેની માહિતી માત્ર મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ વિભાગ અને તે મિલકતનો માલિક જ કરી શકશે.

અન્ય નાગરીકો આ QR સ્કેન કરીને માહિતી જાણી શકશે નહી. તમામ મિલકતોનો ડેટા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ હશે જેનાથી નાગરિકોને વધુ સારી સેવા આપી શકાશે.આ યોજના ના અમલીકરણ બાદ લારી-ગલ્લાનાં પણ જીઓ ટેગીંગ કરવામાં આવશે. આ સમગ્ર સિસ્ટમ એપ્લિકેશન આધારિત રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.