પરીક્ષાના ડરને દૂર કરી સફળતાની ઉડાન ભરો
પરીક્ષાના દિવસોમાં મગજ શાંત રાખો, મનને તરોતાજા રાખવા માટે ખુલ્લી હવામાં ફરવા જાવ. અન્ય પ્રવૃત્તિઓથી મનોરંજન મેળવો. સંગીત સાંભળો. વચ્ચે બ્રેક લઈને તમને ગમતું કામ કરો. ક્યારેય કોઈ વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ પર ગુસ્સો ન કરો. મનને વિચલિત ન થવા દો
પરીક્ષાનું નામ સાંભળતાં જ વિધાર્થીઓને ડર લાગવા લાગે છે. ગળું સુકાઈ જાય છે અને માથું દુખવા લાગે છે. મગજમાં જાતજાતના વિચારો આવવા લાગે છે. દિલ ધક્ ધક્ કરવા લાગે છે. કેટલાક વિધાર્થીઓ તો એવા હોય છે જે પરીક્ષાનું નામ સાંભળીને ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. જાેકે પરીક્ષાની ભઠ્ઠીમાં તપીને જ વિધાર્થીઓ સોનું બનીને બહાર આવે છે. એવું સોનું જેની ચમક દુનિયાભરમાં ફેલાય છે. તેની ચમક દુનિયાને પોતાની તરફ આકર્ષે છે.
ડિસેમ્બર મહિનામાં પરીક્ષાની તારીખ સામે આવતાં જ તમામ વિધાર્થીઓના ઘરમાં યુદ્ધ જેવો માહોલ સર્જાઈ જાય છે અને શંખનાદ વાગી જાય છે. ઘરમાં વડીલો દ્વારા બાળકોને સારા માર્ક્સ લાવવાનું ફરમાન સંભળાવી દેવામાં આવે છે. બાળકો પણ કંઈ સમજ્યા વિચાર્યા વગર તમામ વિષયો ગોખવા બેસી જાય છે અને જ્યાં સુધી તેમને સમજમાં આવે કે શિક્ષણની નવી પધ્ધતી અનુસાર માત્ર અમુક પ્રશ્નોને રટવાથી પરીક્ષામાં ઉત્તીર્ણ થવાતું નથી, ત્યાં સુધી સમય હાથમાંથી સરકી ગયો હોય છે.
હવે સવાલ એ આવે છે કે આ અસમંજસની સ્થિતિમાં વિધાર્થીઓ શું કરે? આપણા વડા પ્રધાનનું માનવું છે કે પરીક્ષાના દિવસે વિધાર્થીઓના ઘરમાં તહેવાર જેવો માહોલ હોવો જાેઈએ. વાલીઓ દ્વારા વિધાર્થીઓએ આખું વર્ષ કરેલી મહેનતને એક દિશા આપવા માટે પ્રોત્સાહન અપાવું જાેઈએ.
અંગ્રેજીમાં એક કહેવત છે વેલ બિગિન ઈઝ હાફ ડન. સૌથી પહેલા નિર્ધારિત પાઠ્યક્રમ અનુસાર એક યોજનાબદ્ધ રીતે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવી જાેઈએ. ૮ થી ૧૦ કલાક સતત બેસીને ગોખણપટ્ટી કરવાના બદલે દરેક વિષયને નિયમિત અભ્યાસ કરવો જાેઈએ. પહેલેથી જાે આ રીતે કરવામાં આવશે તો પરીક્ષામાં તકલીફ નહીં પડે. પરીક્ષાના દિવસોમાં પૌષ્ટિક અને ફેટ રહિત ખોરાક લેવો જાેઈએ. ફણગાવેલાં કઠોળ, જ્યૂસ કે સૂપ, વેજિટેબલ્સ, ફળો વધુ પ્રમાણમાં ખાવાં જાેઈએ. સતત ચા કે કોફીનું સેવન ન કરવું જાેઈએ. કોન્સ્ટ્રેશન વધારવા માટે મેડિટેશન અને યોગ કરવા જાેઈએ. પૂરતી ઊંઘ લેવી જાેઈએ.
તમારાં મનપસંદ ગીતો સાંભળવાં જાેઈએ, પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો જાેઈએ. તૈયારી કરતી વખતે દરેક પાઠનો માઈન્ડ મેપ બનાવો અને મહત્ત્વપૂર્ણ ફોમ્ર્યૂલા, મહત્ત્વપૂર્ણ તારીખ અને સાયન્સની ટર્મ્સને સ્ટિકી નોટ્સ બનાવીને તેનું પુનરાવર્તન કરતા રહો. આ મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે શરૂઆતના મહિનામાં તૈયાર કરાયેલા પાઠ જાે સમયાંતરે પુનરાવર્તન કરવામાં ન આવે તો વિધાર્થીઓ તે પાઠને વર્ષના અંત સુધી ૮૦ ટકા સુધી ભૂલી જાય છે. તેથી સમયાંતરે વાંચવાની વાત પર પરીક્ષાની તૈયારીમાં વિશેષ ધ્યાન અપાય છે. તે મહત્ત્વનું પણ છે. ગોખવું અને શીખવું એ બે વચ્ચેના ફરકને જાણો.
નવા અભ્યાસક્રમ અનુસાર સારા માર્ક્સ લાવવા માટે જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચો અને તમારી જાણકારીને વિવિધ સ્ત્રતોથી વધારો. મોટા મોટા લક્ષ્યને પૂરા કરવા પર ધ્યાન આપવાના બદલે નાનાં નાનાં લક્ષ્ય બનાવો. જાે વિધાર્થીઓ તેમનાં લક્ષ્યને પૂરું કરે તો તે વાલીઓની જવાબદારી છે કે તેમના હોંસલાને વધારો. બાળકોને ભરપુર પ્રેમ અને સમય આપો. બાળકોને દરેક તબક્કે પ્રોત્સાહન આપતા રહો.
પરીક્ષાના દિવસોમાં મગજ શાંત રાખો, મનને તરોતાજા રાખવા માટે ખુલ્લી હવામાં ફરવા જાવ. અન્ય પ્રવૃત્તિઓથી મનોરંજન મેળવો. સંગીત સાંભળો. વચ્ચે બ્રેક લઈને તમને ગમતું કામ કરો. ક્યારેય કોઈ વસ્તુ, પરિસ્થિતિ કે વ્યક્તિ પર ગુસ્સો ન કરો. મનને વિચલિત ન થવા દો. અભ્યાસમાં તમારી શંકાઓનાં નિવારણ માટે તમારા મિત્રો કે શિક્ષકોની મદદ લો. પરીક્ષાની કેટલીક ક્ષણો પહેલા ગભરામણથી બચવા માટે એક રાત પહેલાં તમારો જરૂરી સામાન સાથે રાખી લો.
સમગ્ર આત્મવિશ્વાસ અને તૈયારી સાથે પરીક્ષાના દિવસોમાં તમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપો. ડરો નહીં, આખું વર્ષ જે મહેનત કરી છે તે યાદ કરી લો. કોઈ વ્યક્તિને ઉચાઈ પરથી પડવાનો ડર લાગતો હોય છે, પરંતુ આ ડરને મનમાંથી કાઢીને જીવનની ઉડાન ભરો. વિધાર્થીઓએ પરીક્ષાના ડરને મનમાંથી કાઢીને આજ રીતે કારકિર્દીની ઉડાન ભરવાની હોય છે. ત્યારે જ તમે સંસારરૂપી આકાશને તમારી પાંખોથી માપી શકશો કેમકે ડરની આગળ હંમેશા જીત હોય છે.