ડાંગ જિલ્લાના ઘાણા ગામે સરકારી યોજનાથી ગાયો મેળવી પશુપાલક આર્થીક રીતે સધ્ધર બન્યો

પશુપાલક યોહાનભાઇ પવાર દુધની આવકથી મહિને ૭૦ હજારની આવક મેળવી રહ્યા છે
(ડાંગ માહિતી)ઃ આહવા, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામા આવેલ ધાણા ગામનો યુવાન યોહાન પવાર પાંરપરીક ખેતીની સાથે, પશુપાલનના વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બન્યો છે. વર્ષ ૨૦૧૧મા માંડ ૨ ગાયોથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરનાર યોહાનને સરકારશ્રીની આર્થીક સહાય પ્રાપ્ત થતા ૧૨ ગાયોના માલિક બનવા સાથે મહિને દાડે ૭૦ હજારની આવક મેળવતા થયા છે.
ડાંગ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી, અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જિલ્લાના ખેડુતો આર્થિક વિકાસ સાધી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાકીય સહાયનો લાભ આપવામા આવે છે. એક મુલાકાતમાં યોહાન પવાર જણાવે છે કે, શરૂઆતમા તેઓની ફક્ત ૨ ગાયો હતી. જે વખતે એક ટંકનુ ૧૦ લીટર દુધ ભરતા તેઓને રૂપિયા ૪૦૦ની આવક પ્રાપ્ત થતી હતી. પંરતુ સરકારી સહાય યોજના મળતા તેઓ પાસે આજે ૧૨ ગાયો થઈ છે. ટ્રાયબલ સબ પ્લાન કચેરીમાંથી યોહનની પત્નીને ૩ ગાયો મળી છે. જ્યારે કુટીર ઉધ્યોગમાંથી બીજી ૭ ગાયો આપવામા આવી છે. તેઓ વધુમાં જણાવે છે કે, આજે એક ટંકનુ ૪૮ લીટર દુધ ડેરીમા ભરવાથી તેઓને મહિને કુલ ૭૦ હજાર રૂપીયાની આવક પ્રાપ્ત થાય છે. ખેતીની સાથે તેઓ આજે દુધની આવક મેળવી આર્થીક રીતે સધ્ધર બન્યા છે.
પશુઓ માટે યોહાન પવારે પાકા શેડની વ્યવસ્થા કરી છે. ગાયોના ચારાની વ્યવસ્થા માટે ચાફ કટર સહાય યોજના અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા, તેઓને ૫૦ ટકા સરકારી સહાય મળી છે. આ ઉપરાંત તેમણે મિલકિંગ મશીનની પણ વ્યવસ્થા કરી છે. સાથે જ સ્વખર્ચે શેડમા પશુઓ માટે ઓટોમેટિક પાણીની વ્યવસ્થા પણ ઉભી કરી છે. તેઓ જણાવે છે કે, પશુપાલનના વ્યવસાયથી તેઓને બહાર ગામ મજુરી કામે જવુ પડતુ નથી. ધર આંગણે પશુ વ્યવસાયથી તેઓને આવક પ્રાપ્ત થઇ રહી છે.
ડાંગ જિલ્લાના પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત સાધન સહાય, સાથે દુધાળા પશુઓ ખરીદવા માટે ૫૦ ટકા સહાય આપવામા આવે છે. જેમા ગત વર્ષે રૂ.૩૪ લાખ, ૫૦ હજારના ખર્ચે ૧૩૮ લાભાર્થીઓને સહાય પૂરી પાડવામા આવી છે. ૨૭ જેટલા પશુ દવાખાના, અને પશુ સારવાર કેન્દ્રો મારફત અહી વિવિધ પશુ સેવાઓ પણ પૂરી પાડવામા આવી રહી છે.
ડાંગ જિલ્લામા વસુધારા ડેરીના સહયોગથી વઘઈ અને સુબીરમા દૂધ શીત કેન્દ્રો શરુ કરાયા છે. સંકર ઔલાદની ગાયો પૂરી પાડીને જિલ્લામા દૂધ મંડળીઓ કાર્યરત કરવામા આવી છે. છેલ્લા ૧૫ વર્ષોમા ડાંગ જિલ્લામા વસુધારા ડેરી હસ્તક ૧૮૫ દૂધ મંડળીઓ, અને સુમુલ ડેરી હસ્તક ૮ દૂધ મંડળીઓ કાર્યરત કરીને ૧૦ હજાર ૮૩૮ સભાસદોને શ્વેત ક્રાંતિની દિશામા પ્રવૃત્ત કરાયા છે. સને ૨૦૨૦/૨૧ ના વર્ષ દરમિયાન ડાંગ જિલ્લાની આ દૂધ મંડળીઓના સભાસદોએ ૧ કરોડ ૪૪ લાખ ૧૭ હજાર ૬૪૧ કિલોગ્રામ દૂધ એકત્ર કરીને, કુલ રૂપિયા ૪૪ કરોડ ૪૩ લાખ ૬૦ હજાર ૬૦૫ રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે.