ધોધંબાના ધનેશ્વર ગામમાં આવેલ જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવાના મામલે 3 આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ) ગોધરા, ઘોઘંબા તાલુકામાં સાત કિલોમીટર દુર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલય નામની સ્કુલ ચાલે છે. તેના પટાંગણમાં જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે.
જેમાં ગઈકાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. પલાંઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા છે.
ગભારા બહાર ગૌતમ સ્વામીના પલાંઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો છે અને વલ્લભસુરી મહારાજની મુર્તિનું માથું તોડી પડાયું છે, જેથી લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યાંનો પરમાર ક્ષત્રિય જૈન સમાજ રોષે ભરાયો છે.
આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુભાઈ તથા પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ, પાવાગઢ તીર્થના ભરતભાઈ જૈન, સુખદેવ વ્યાસ સહિતના અગ્રણીઓ ઘોઘંબાના રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટને રજૂઆત કરી હતી. પોલીસે આ મામલા ની ગંભીરતા જોતાં ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ની કાર્યવાહી હાથ ધરી છે..
પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણે આરોપી ધનેશ્વર ગામના રહેવાસી (૧)નિલેષ શૈલેષભાઈ પરમાર,ઉ.વ ૨૦, (૨)હાર્દિક રાજેશભાઈ પરમાર ઉ.વ.૨૦,(૩) દેવરાજ હીરાભાઈ પરમાર ઉ.વ ૧૯ હોવાનુ સામે આવ્યું છે અને તેઓ ક્રિકેટ રમતા રમતા દેરાસર નજીક પહોંચ્યા હતા. આ દરમિયાન, તેઓએ ત્યાં પડેલા પથ્થરોનો ઉપયોગ કરી મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું.
પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓની પુછપરછ કરી, જેમાં આ ઘટનાને એક સામાન્ય બાબત અને મસ્તીનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૨૯૯ અને ૩૨૪/૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, અને પોલીસે આ વિસ્તાર મા સુરક્ષા પગલાં કડક કર્યા છે.