GIDCમાંથી ઝેરી પાણી છોડવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જીઆઈડીસી માંથી મોટી સંખ્યામાં ફેકટરીઑ આવેલી છે. જે કારખાનાના ઝેરી પાણીના નિકાલ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં નિયમ મુજબ ઝેરી પાણીનો નિકાલ ન કરી લોકોના જીવ સાથે ચેડાં કરવામા આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને પ્રતિબંધીત કેમિકલોના ઉપયોગનો પણ ઉલ્લેખ કરાયો હતો.
અમદાવાદમાં કેમીકલયુક્ત પાણી છોડવા મુદ્દે થયેલી અરજીમાં ઉલ્લેખ કરાયા મુજબ જીઆઈડીસી માંથી અનેક ઉદ્યોગો દ્વારા ઝેરી પાણી બેફામ રીતે છોડવામાં આવી રહ્યું છે. વધુમાં અરજદારે આરોપ લગાવતા જણાવ્યું હતું કે વિશ્વમાં પ્રતિબંધીત કેમિકલોઅમદાવાદ જીઆઈડીસીમાં આડેધડ ઉપયોગ અને નિકાલ કરવામાં આવી રહ્યો છે.
એટલું જ નહિ કંપનીઓ તેનો ભૂગર્ભમાં ઠાલવી નિકાલ કરતી હોવાનું પણ જણાવાયું છે. જેના થકી જમીનમાં ઉતરેલું ઝેરી કેમિકલ નળ મારફતે લોકોના ઘર સુધી પહોંચે છે. જે નુકસાનકારક છે. વધુમાં તપાસ બાદ પણ જીપીસીબીના જવાબદાર અધિકારીઑ મૂકપ્રેક્ષક બનીને તમાશો જાેઇ રહ્યા હોવાંની રાવ કરવામાં આવી છે.
આથી દૂષિત પાણી મામલે નીરી સંસ્થા પાસે સર્વે કરાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. જેને લઇને હાઈકોર્ટે જીપીસીબીના જવાબદાર અધિકારીઑ અને રાજ્ય સરકાર સહીત અન્ય પક્ષકારોને નોટિસ આપી છે.
બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કંપનીમાં ચેકિંગ દરમિયાન વાપી જીઆઇડીસીમાં આવેલી હેરંબા કેમિકલ્સ નામની કંપનીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન કંપનીના ગોડાઉનમાંથી મોટી માત્રામાં પ્રોસેસ વેસ્ટ અને મિક્સ કેમિકલ વેસ્ટ મળી આવ્યો હતો .
આથી પોલીસે આ તમામ કેમિકલ વેસ્ટનો જથ્થો જપ્ત કરી જીપીસીબીને જાણ કરી હતી. બનાવની જાણ થતા જીપીસીબીની ટીમે પણ આ મામલે કેમિકલ વેસ્ટના સેમ્પલ લઇ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.