Western Times News

Gujarati News

પૃથ્વીના પાતાળમાં 700 કિલોમીટર ઉંડેથી મળી આવ્યો મહાસાગર !

પ્રતિકાત્મક

તાજેતરમાં વૈજ્ઞાનિકોને એક એવી માહિતી પ્રાપ્તિ થઈ છે કે જેનાથી પૃથ્વી વિશેની આપણી સમજણ વધુ ઉંડી બની છે. એક અભૂતપૂર્વ શોધમાં વૈજ્ઞાનિકોએ પૃથ્વીની સપાટીથી ૭૦૦ કિલોમીટર નીચે આવેલા ગરમ આવરણમાં ફસાયેલા વિશાળ મહાસાગરનું અÂસ્તત્વ જાહેર કર્યું છે.  Gigantic Ocean Lies 700 Km Beneath Earth’s Surface. Scientific Discovery Goes Viral વર્તમાન સમયના પૃથ્વી પરના આપણે જે જાણીએ છીએ તે સાતેય મહાસાગરો ભેગા થઈ જાય તેના કરતાં પણ આ નવો મળી આવેલો ભૂગર્ભ મહાસાગર મોટો છે. આ ઘટના આપણા ગ્રહ પર પાણીની ઉત્પત્તિ અને વિતરણ વિશેની આપણી લાંબા સમયથી ચાલતી કેટલીક પરંપરાગત માન્યતાઓને સીધો પડકાર આપે છે.

અમેરિકામાં આવેલી નોર્થવેસ્ટર્ન યુનિ.ના સંશોધકોની આગેવાની હેઠળની શોધમાં એક અનોખી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોર્થવેસ્ટર્ન યુનિ.ના સંશોધકોએ સમગ્ર યુએસમાં ર,૦૦૦ જેટલા સિસ્મોમીટર્સ (સિસ્મોમીટર્સ એટલે કે, ભૂકંપ માપતું સાધન)નું નેટવર્ક તૈનાત કર્યું હતું કે, જેનાથી પૃથ્વીના અલગ અલગ સ્તરોમાં થઈ રહેલા કંપનો અને હલન-ચલનનું નિરીક્ષણ થઈ શકે.

આ સમગ્ર પ્રયોગ દરમિયાન ર૦૦૦ જેટલા સિસ્મોમીટર્સ દ્વારા મળેલા ડેટામાંથી વૈજ્ઞાનિકોએ પ૦૦થી વધુ આફટરશોકસનું પૃથ્થકરણ કર્યું હતું. આ એનાલિસિસ દરમિયાન વૈજ્ઞાનિકોએ પૃથ્વીના મેન્ટલના કેટલાક ચોક્કસ સ્તરોમાંથી પસાર થતાં ધરતીકંપના મોજાઓમાં વિચિત્ર ઘટાડો નોંધ્યો. કંપનમાં થઈ રહેલો આ ઘટાડો પાણીની હાજરી દર્શાવે છે.

પૃથ્વીના પાતાળમાં છૂપાયેલ આ મહાસાગર રિંગવુડાઈટ નામના ખડકની અંદર છે. રિંગવુડાઈટ એક પ્રકારનું ખનીજ છે કે જે ભારે દબાણ અને ઉંચા તાપમાનમાં રચાય છે અને આ ખનીજની એક ખાસિયત એ છે કે તે મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવામાં સક્ષમ છે. રિંગવુડાઈટ ખાણીજના ખડકો સ્પોન્જ જેવા હોય છે. એટલે કે તેમની અંદર પોલાણ હોય છે. આથી વૈજ્ઞાનિકોનું માનવું છે કે રિંગવુડાઈટના આ પોલાણમાં પાણીની હાજરીની શક્યતાઓ નકારી શકાય નહીં.

પૃથ્વીની જમીન પરથી ૭૦૦ કિલોમીટર ઉંડે એક આખેઆખો મહાસાગર મળીઆવવો અને એ મહાસાગરનું કદ એટલું મોટું હોવું કે આપણા જાણીતા સાતેય મહાસાગરો તેની સામે વામણા લાગે આથી આપણે સમજી જ શકીએ કે આ મહાસાગરની શોધની અસરો ખૂબ જ ગહન હોવાની છે. આ શોધ પૃથ્વીના જળ ચક્ર વિશેની આપણી સમજને સંપૂર્ણપણે ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત સર્જે છે.

અગાઉ વૈજ્ઞાનિકો માનતા હતા કે મોટાભાગનું પાણી અબજો વર્ષો પહેલાં ધૂમકેતુની અસરથી ઉત્પન્ન થયું હતું. પરંતુ હવે આ નવી શોધ સૂચવે છે કે પૃથ્વીની રચના થઈ ત્યારથી જ આપણા પાણીનો નોંધપાત્ર ભાગ પૃથ્વીના પાતાળામાં ધરબાયેલા ખનીજોમાં ફસાઈ ગયો હોઈ શકે છે.

પાતાળમાં રહેલા મહાસાગરનો પ્રભાવ તેના પાણીના મૂળની બહાર એટલે કે, જમીન પર વિસ્તરે છે. આ છૂપાયેલ મહાસાગર પૃથ્વીના પ્લેટ ટેટોનિકસમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીની વિશાળ ટેકટોનિક પ્લેટોની હિલચાલને લીધે જ ભૂકંપ અને સુનામી સર્જાય છે અને આ ટેકટોનિક પ્લેટોની અથડામણથી જ હિમાલય જેવા પર્વતો અને મહાસાગરો સર્જાયા છે.

પૃથ્વીના આવરણની અંદર ફસાયેલ આ પાણી લુબ્રિક્ધટ તરીકે કામ કરી શકે છે જે આ પ્લેટોની ગતિ અને દિશાને અસર કરી શકે છે. વધુમાં જ્વાળામુખી વિસ્ફોટ દરમિયાન આ આવરણમાંથી પાણી બહાર આવવું એ જ્વાળામુખીના પ્લુમ્સમાં પાણીની વરાળની હાજરીને સમજાવી શકે છે.

આ ભૂગર્ભ સમુદ્રનું વધુ સંશોધન આકર્ષક વૈજ્ઞાનિક તકોનું નિર્માણ કરે છે. વૈજ્ઞાનિકો આ પ્રાચીન પાણીની રચનાનો અભ્યાસ કરવાની આશા રાખે છે કે જે પૃથ્વીની પ્રારંભિક રચના અને જીવનના બિલ્ડીંગ બ્લોકસમાં પાણીના પ્રભાવ વિશે સંભવિત રહસ્યો ખોલશે.

આ છૂપાયેલા મહાસાગરના સીધા નમૂના માટે ૭૦૦ કિલોમીટર ડ્રિલિંગ કરવું હાલમાં આપણી ટેકનિકી ક્ષમતાઓની બહાર છે. જો કે, સંશોધકો આ માટેની વૈકÂલ્પક પદ્ધતિઓ શોધી રહ્યા છે. પ્રાચીન પાણીના નમૂના માટે જ્વાળામુખીના ખડકોનો અભ્યાસ કરવો અથવા સિસ્મિક તરંગોના વર્તનનું વધુ વિગતમાં વિશ્લેષણ કરવાથી આ છૂપાયેલા સમુદ્રના પાણીના ગુણધર્મો અને રચના વિશે ઘણી માહિતી મળી શકે છે.

આ ભૂગર્ભ મહાસાગરની શોધ એ એક સ્પષ્ટ રિમાન્ડર છે કે આપણે આપણા ગ્રહ વિશે હજી કેટલું બધુ જાણવાનું બાકી છે. તે આપણને પૃથ્વીની રચના, પાણીના વિતરણ અને પાતાળ એટલે કે, પૃથ્વીના આત્યંતિક વાતાવરણમાં જીવનની શક્યતા વિશેની આપણી સમજ પર પુનઃવિચાર કરવા દબાણ કરે છે. જો કે, આ છૂપાયેલ મહાસાગર આપણા રોજિંદા જીવનથી દૂર છે. શોધમાં મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને દાર્શનિક અસરો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.