Western Times News

Gujarati News

અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, શહેરો-નગરોના ઝડપી  વિકાસ માટે રાજ્ય સરકારે ર વર્ષમાં 200 ટી.પી. સ્કિમ મંજૂર કરી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાકિય ક્ષેત્રના વિકાસ માટે ચાલું વર્ષે જ 100 ટી.પી. સ્કિમને મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, રાજ્યમાં મંજૂર કરવામાં આવેલી 200 ટી.પી. અને 12 ડી.પી. સ્કિમ સંપૂર્ણ પારદર્શિકતાથી અમલમાં મૂકાઇ છે. જેને કારણે અમદાવાદ અને સુરત જેવા શહેરો વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા શહેરો તરીકે ઉભરી આવ્યા છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ત્રિ-દિવસિય ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું કે, શહેરી ક્ષેત્રના વિકાસ માટે ટી.પી.સ્કિમની મંજૂરી સહિતના જે પગલાંઓ લેવામાં આવ્યા છે તેનાથી ગુજરાતની કન્સ્ટ્રકશન એક્ટિવિટીને બુસ્ટ મળશે.

તેમણે કહ્યું કે, ગુજરાત આજે સમગ્ર દેશમાં ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. અન્ય રાજ્યોના વહિવટી તંત્રો અને લોકો ગુજરાતની વિકાસગાથા અને સિસ્ટમને સમજવા માટે ગુજરાત આવી રહ્યા છે તે ગુજરાતની પ્રગતિની પારાશીશી છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વિકાસની 20-20 જેવી ઝડપથી ગુજરાતને આજે દેશના વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગની વિશેષ ચિંતા કરીને લો કોસ્ટ હાઉસિંગની વ્યવસ્થા અને તેના માટેની પોલીસી અમલી બનાવી, જ્યાં પણ ઝુપડપટ્ટીઓ છે ત્યાં નવા મકાનો અને ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ અનેક મકાનો બનાવી સંપૂર્ણ પારદર્શકતાથી હાથોહાથ ઘરની ચાવી લાભાર્થીઓને આપી છે.

વિકાસની ગતિને તેજ બનાવવા માટે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં ડિજિટાઇઝેશન અને અરજી તથા મંજૂરીઓ ઓનલાઇન આપવાની વ્યવસ્થા વિકસિત કરવામાં આવી રહી છે, જેથી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે અને લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, સાથે જ પારદર્શીતા આવે તેવી નેમ તેમણે દર્શાવી હતી.

તેમણે કહ્યું કે, આપણે ત્યાં બાંધકામ ક્ષેત્રમાં રોજગારીની વ્યાપક તકો રહેલી છે. આ રોજગારીને પરિણામે અર્થતંત્રને પણ ગતિ મળશે, જેનાથી ગુજરાતની અર્થવ્યવસ્થા વધુ મજબુત બનશે.

મુખ્યમંત્રીશ્રીએ ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનું આયોજન કરવા બદલ ગાહેડ-ક્રેડાઇને અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં 45 ટકાથી વધુ વસ્તી શહેરી ક્ષેત્રમાં વસવાટ કરે છે અને 55 ટકા વસ્તી ગ્રામિણ ક્ષેત્રમાં વસવાટ કરે છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી 10 ફાસ્ટ ગ્રોઇંગ સિટીમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો છે. તે જ દર્શાવે છે કે, ગુજરાતમાં શહેરો ખુબ ઝડપીથી વિકસી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જે પ્રમાણે શહેરોનો વિકાસ થઇ રહ્યો છે તે પ્રમાણે તેમા વસવાટ કરતા નગરજનોને પણ પ્રાથમિક સુવિધાઓ સુચારૂ રીતે ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ આવનારા 25 વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરે છે અને તે પ્રમાણે યોજનાઓ કાર્યાન્વિત કરે છે.

મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, અમારી સરકાર પ્રજાની સરકાર છે. લોકોને પોતાની સરકાર હોય તેવી  લાગણી જન્મે તે માટે લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ મુજબ ત્વરિત અને ઝડપી નિર્ણયો પારદર્શકતાથી લઇ રહ્યા છીયે.

તેમણે કહ્યું કે, ઝડપથી વિકસતા ક્ષેત્રો સાથે કદમ મિલાવવા માટે આજે ઝડપી નિર્ણયો લેવાય તે જરૂરી છે તેની સાથે-સાથે નિર્ણયક્તા સાથે સમયની માંગ મુજબ નિર્ણયો લેવાય તો જ ઝડપી વિકાસની ગતિ સાથે ગુજરાત કદમ મિલાવી શકે. ગુજરાતે દેશભરમાં માળખાકિય ક્ષેત્રના વિકાસથી અમુલ પરિવર્તન સાથે દેશને દિશા ચિંધનારો વિકાસ કર્યો છે.

શ્રી વિજયભાઇએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જે વિકાસની રેખા અંકિત કરી હતી તેને વધુ ઉંચાઇએ લઇ જવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નયા ભારતની જે સંકલ્પના વ્યક્ત કરી છે તેમાં ગુજરાત અગ્રેસર રહેશે.  આ પ્રસંગે ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇના નેતૃત્વમાં સતત પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ઇન્ડ્રસ્ટ્રીનો વ્યાપક પણ વધી રહ્યો છે અને રોજગારીની વિપુણ માત્રમાં તકો ઊભી થઇ રહી છે. ઉર્જા મંત્રીશ્રીએ ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનું આયોજન કરવા બદલ તમામ હોદ્દેદારોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

પ્રસંગે મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇના નેતૃત્વમાં 3 વર્ષમાં 1400 વધુ પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી ગુજરાતની પ્રજાને ઘણા ફાયદો થયો છે.

મહેસુલ મંત્રીશ્રીએ કહ્યું કે, મહેસુલ વિભાગે ટેક્નોલોજીના ઉપયોગ પર સૌથી વધુ ભાર મૂક્યો છે. અત્યારે ઓફલાઇન સિસ્ટમમાંથી ઓનલાઇન સિસ્ટમ તરફની દિશામાં આગળ વધી રહ્યા છે. સતત પ્રજાલક્ષી નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે.

આ ફ્લેગશિપ કાર્યક્રમમાં ૬૫થી વધુ ડેવલપર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકાર લઈ રહેલ ૧૫૦ થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે.

ક્રેડાઇ નેશનલના ચેરમેન શ્રી જક્ષય શાહે સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલ નીતિવિષયક સુધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજનથી સમગ્ર રાજ્યમાં સુનિયોજિત વિકાસની બહારથી રોકાણકારોનો પ્રવાહ વધશે અને વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનો વ્યાપ પણ વધવાને પરિણામે શહેર માં માયગ્રેશનને લીધે વધારાના આવાસોની માંગ ઉભી થશે તેમજ અમદાવાદના નવા વિકાસ પામી રહેલ વિસ્તારોમાં રોકાણકારોનો પ્રવાહ વધશે જેથી મિલકત ખરીદવા માટેની આ ઉત્તમ તક છે.

આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલભાઇ ભટ્ટ, ક્રેડાઇ નેશનલ વાઇસ પ્રેસિડન્ટ શ્રી શેખર પટેલ, ક્રેડાઇ ગુજરાતના પ્રેસિડન્ટ શ્રી આશિષ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.