ડાંગમાં ધોધમાર વરસાદથી ગીરા ધોધ ખીલી ઉઠ્યો
ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પૂર આવતા ગીરા ધોધનો અદભૂત નજારો સામે આવ્યો છે
ડાંગ, છેલ્લા થોડા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. જે અનુસંધાને ડાંગ જિલ્લામાં પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. ડાંગમાં ધોધમાર વરસાદને પગલે ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પૂર આવતા ગીરા ધોધનો અદભૂત નજારો સામે આવ્યો છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ ડાંગ વહીવટી તંત્ર સજ્જ થયું છે. જેના પગલે તંત્રએ કોઝ વે કે પુલ ક્રોસ કરતી વખતે લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે. ભારે વરસાદથી ડાંગની અંબિકા અને ખાપરી નદી બંને કાંઠે વહેતી થઈ છે.
સાપુતારામાં ભારે વરસાદને કારણે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. ચોમાસા દરમિયાન ડાંગનો ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ગીરા ધોધ વઘઈ શહેરથી પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે. આ ધોધ સુધી પહોંચવા માટે મુખ્ય રોડ પરથી એક કિલોમીટર અંદરની સફર કરવી પડે છે.
ચોમાસામાં અહીં ખૂબ ટ્રાફિક જાેવા મળે છે.ધોધની ઊંચાઈ આશરે ૩૦ મીટર છે. અમદાવાદ શહેરથી ગીરા ધોધનું અંતર આશરે ૪૦૦ કિલોમીટર છે. સુરતથી ૧૬૦ કિલોમીટર તો મુંબઈથી ૨૫૦ કિલોમીટર છે. તમે તમારા શહેરથી વઘઈ સુધી પહોંચવા માટે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનો ઉપયોગ કરી શકો છો.
આવો જ બીજાે એક ધોધ ગીરમાળ આવેલો છે. આ ધોધ પણ સાપુતારા નજીક આવેલો છે. આ ધોધ આહવામાં સુબીર ગામ નજીક આવેલો છે. સુબીર ગામથી આ ધોધ ૧૪ કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા માટેનો રસ્તો પ્રમાણમાં સારો છે. અહીં આસપાસ પૂર્ણા નદી આવેલી છે.
આસપાસનો વિસ્તાર પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે. ચોમાસા દરમિયાન અહીંની મુલાકાત સ્વર્ગનો અનુભવ કરાવશે! ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખતા કલેકટર ભાવિન પંડ્યાએ, જિલ્લાના લો લેવલ કોઝ વે સહિતના માર્ગો ઉપર ઠેર ઠેર સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવાની જાહેરાત કરી છે.
સાથે કોઈ વાહન ચાલકો, પશુપાલકો, સ્થાનિક ગ્રામજનો જાેખમી રીતે માર્ગ, કોઝ વે કે પુલ ક્રોસ ન કરે તેની તકેદારી દાખવવાની સૂચના આપી છે. તાલુકા કક્ષાએ વરસાદી પાણી, ભુસ્ખલન સહિતના કારણોસર ઉદભવતી ગંદકી, કાદવ કીચડ, કે વૃક્ષો ધરાશાઈ થવાના પ્રસંગે તાત્કાલિક આવો મલબો હટાવવાની પણ સંબંધિત અધિકારીને સૂચના આપી છે. ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓને પણ જાેખમી જગ્યાએ સેલ્ફી કે ફોટોગ્રાફ્સ ન લેવા માટે કલેક્ટરે વિનંતી કરી છે.