Western Times News

Gujarati News

રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીને કોરોના પોઝિટીવ

રાજકોટના વોર્ડ નંબર સાતમાં આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ અને આઈસોલેશન સહિતની કામગીરી શરૂ કરી

રાજકોટ,  વિદેશમાં વકરી રહેલા કોરોનાના કેસોથી ફરીવાર હાહાકાર મચી ગયો છે. કોરોનાને લઈને ભારત દેશ પણ એલર્ટ થઈ ગયો છે. ગઈકાલે કેન્દ્રીય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના અંગેની જાણકારી આપી છે. ત્યારે વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા હાઈલેવલની બેઠક યોજી છે.

બીજી બાજુ ગુજરાતમાં પણ ઓમિક્રોનનો નવો વેરિયન્ટ જણાતા સરકાર અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે આજે રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર સાતમાં આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ છે અને આઈસોલેશન સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા હતાં. જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું અને સરકારે તાત્કાલિક બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ હતું. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલાં કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે એ નવો કેસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી આ મામલે કોઇ જાહેરાત કરાઈ નથી.

સરકારે રાજ્યના તમામ જિલ્લામાં કોરોનાના કેસો વધે નહીં તે માટે પગલા લેવા સૂચના આપી દીધી છે. બીજી તરફ સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં ઓમિક્રોનના બીએફ ૭ વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી.જુલાઇ-સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં બીએફ૭ વેરિયન્ટથી સંક્રમિત થયેલ વયોવૃદ્ધ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા હતાં.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પ્રો- એક્ટિવ તૈયારીઓ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.