હોસ્ટેલમાં રહેતી બહેનપણીને મહેંદી મૂકવાના નામે નીકળેલી સગીરા પર મિત્રોએ જ ગેંગ રેપ કર્યો

પ્રતિકાત્મક
આરોપીઓએ પીડિતાનો વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી હતી-સગીરાને દારૂના નશામાં રાખી નબીરાઓએ ગેંગ રેપ કર્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની એક સગીરાને કેટલાક નબીરાઓ સાથે મિત્રતા કરવી ભારે પડી છે. આ સગીરા તેની બહેનપણી પાસે ગઈ તે બાદ આ નબીરાઓ સાથે ફરવા ગઇ હતી. નબીરાઓએ તેને ત્રણ દિવસ સુધી દારૂ પીવડાવીને નશામાં રાખી હતી. તેમજ સગીરાની આબરૂ લૂંટી તેના વીડિયો પણ બનાવ્યા હતા.
જે વીડિયોના આધારે બ્લેકમેઇલ કરી પૈસા પણ પડાવ્યા. અંતે સગીરાએ પરિવારને જાણ કરતા આ મામલે ખાડિયા પોલીસે ગુનો દાખલ કર્યો. આ કેસમાં સગીર સહિત ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોણ છે આ નબીરાઓને કઈ રીતે સગીરાને બનાવી હેવાનિયતનો શિકાર જોઈએ અહેવાલમાં.
અમદાવાદ પોલીસે ક્રિષ્ના પટેલ અને મેહુલ ચુનારા નામના યુવકોની ધરપકડ કરી છે. આરોપી અને તેની સાથેના સગીર મિત્રોએ ભેગા મળી ૧૫ વર્ષીય સગીરાને પહેલા પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં હવસનો શિકાર બનાવી હતી.
૧૫ વર્ષીય સગીરા ગત ૨ ફેબ્રુઆરીએ યુનિવર્સીટી હોસ્ટેલમાં રહેતી બહેનપણીને મહેંદી મૂકવાના નામે નીકળી અને ૭મીએ સગીરાને એક યુવક યુવતી નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા. જે બાદ સગીરા ભાનમાં આવતા તેણે પરિવારજનો સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી.
સગીરાએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૪માં તેની મુલાકાત એક સગીર યુવક સાથે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેની કાંકરિયા કાર્નિવલમાં ગયા હતા, જ્યાંથી તેનો પ્રેમી તેને ગીતામંદિર ખાતે એક મિત્રના ઘરે લઈ ગયો અને કેફી પીણું પીવડાવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે સગીરાના પ્રેમીના મિત્ર પુષ્પકે તેના અંગતપળોનો વીડિયો પોતાના ફોનમાં ઉતાર્યો હતો.
જે પછી સગીરાના પ્રેમીએ તેની ઓળખાણ ક્રિષ્ના પટેલ સાથે કરાવી હતી અને તેની સાથે મિત્રતા કરવાનું દબાણ કર્યું હતું. સગીરા મિત્રતા નહીં રાખે તો તેનો વિડીયો વાયરલ કરી દઈશ તેવી પ્રેમીએ ધમકી આપી હતી. જે બાદ સગીરાનો પ્રેમી અને તેનો મિત્ર અવારનવાર પૈસાની માંગણી કરતા હોવાથી સગીરાએ ૯૦ હજાર રૂપિયા આપ્યા હતા.
બીજી ફેબ્રુઆરીએ સગીરા તેની મિત્ર પાસે હોસ્ટેલમાં ગઈ હતી અને ત્યાં તેના પ્રેમી સહિતના મિત્રો આવ્યા હતા. ત્યાંથી ક્રિષ્ના પટેલ અને તેના મેહુલ ચુનારા સહિતના મિત્રો રાયપુર બિગ બજાર ખાતે લઈ ગયા હતા. જ્યાં ત્રણેય નબીરાઓએ સગીરાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દારૂ પીવાનુ દબાણ કરી સગીરાને સતત દારૂ પીવડાવી ત્રણ દિવસ સુધી નશામાં રાખવામાં આવી હતી.