Western Times News

Gujarati News

છોકરાઓ કરતા છોકરીઓ ફોન પર વધારે સમય પસાર કરે છે

રાજકોટ, જુલાઈ મહિનામાં રાજકોટના જસણણ શહેરમાં રહેતી એક ૧૭ વર્ષીય છોકરીએ પોતાનો જીવનનો અંત લાવી દીધો. કારણ જાણીને તમને નવાઈ નહીં લાગે કારણકે આવા કિસ્સાઓ હવે ઘણાં વધી ગયા છે. સ્માર્ટફોન પર આખો દિવસ ગેમ રમતી રહેતી હોવાને કારણે ઠપકો આપવામાં આવ્યો તો તેણે આટલું મોટું પગલું ભરી લીધું. ઉપર જણાવ્યું તેમ આ પ્રકારનો આ એકમાત્ર બનાવ નથી.

સુરતની દસમા ધોરણની એક વિદ્યાર્થિની અભ્યાસ પર ધ્યાન નહોતી આપતી. તેનું ધ્યાન હંમેશા ફોનમાં જ રહેતુ હતું. માતા-પિતાએ ફોન લઈ લીધો તો તેણીએ પણ આપઘાત કર્યો હતો. ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાની વધતી જતી સંખ્યા ચિંતાજનક છે.

મોબાઈલ ફોનના એડિક્શનને કારણે યુવાનો આવેશમાં આવી જતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ દ્વારા ૪૪૧૦ ટીનેજર્સનો એક સર્વે કરવામાં આવ્યો હતો.

આ સર્વેમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે જાેવા મળતા નકારાત્મક પ્રભાવો બાબતે ચોંકાવનારી અને ચિંતાજનક વાતો સામે આવી છે. આ સર્વેમાં ટીનેજર્સને બે એજ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા- ૧૩થી ૧૫ વર્ષનું એક ગ્રુપ તેમજ ૧૫થી ૧૮ વર્ષનું એક ગ્રુપ.

સર્વેમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા એકસરખી હતી. સર્વેમાં સામે આવ્યું કે છોકરાઓની સરખામણીમાં ટીનેજર છોકરીઓને મોબાઈલનું વળગણ વધારે હોય છે.

અભ્યાસ અનુસાર, છોકરીઓ દરરોજ લગભગ ૫-૬ કલાક મોબાઈલ ફોન પાછળ પસાર કરે છે જ્યારે તે જ વયજૂથના છોકરાઓ ૩-૪ કલાક મોબાઈલ પાછળ પસાર કરે છે. મેડિકલ ભાષામાં મોબાઈલ ફોનને લગતી આ સમસ્યાને નોમોફોબિયા( નો મોબાઈલ ફોન ફોબિયા) તરીકે ઓળખવામાં આવે છે.

મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જાે કોઈ વ્યક્તિ ૩ કલાક કરતા વધારે સમય મોબાઈલ ફોન સાથે પસાર કરે તો કહી શકાય કે તેને લત લાગી ચૂકી છે. મોબાઈલ ફોનની આ લતને કારણે યુવાનો અનેક માનસિક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.

ઉદાહરણ તરીકે, ઊંઘ ના આવવી, ધ્યાન કેન્દ્રિત ના કરી શકવુ, નકારાત્મક વિચારો આવવા, આત્મવિશ્વાસમાં ઘટાડો થવો, પરીક્ષા વખતે ડર લાગવો, સામાજિક દ્રષ્ટિએ અલગ પડી જવું, વગેરે. મોબાઈલ ફોન સાથે સંકળાયેલા ગુનાઓની સંખ્યા પણ વધતી જાય છે.

સપ્ટેમ્બર મહિનામાં સુરતના હઝિરા ખાતે એક ૧૭ વર્ષીય યુવાને પોતાના ૪૦ વર્ષના પિતાની હત્યા કરી નાખી. પિતાએ ફોન પર આખો દિવસ રહેવાને કારણે દીકરાને ઠપકો આપ્યો હતો.

સર્વેના પરિણામ અનુસાર, ૧૬થી ૧૮ વર્ષની ઉંમરની ૩૨ ટકા છોકરીઓ મોબાઈલની લત ધરાવે છે જ્યારે આ એજ ગ્રુપના ૨૭ ટકા છોકરાઓ એડિક્ટેડ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના પ્રમુખ ડોક્ટર યોગેશ જાેગસન જણાવે છે કે, આ સર્વે કરવાનો હેતુ માતા-પિતાને સાવધાન કરવાનો હતો. તેમણે પોતાના ટીનેજ બાળકો મોબાઈલ પર શું કરે છે તે બાબતે સજાગ રહેવું જાેઈએ.

મોબાઈલનું વળગણ ધરાવનારા બાળકો અન્ય લોકો સાથે વાત પણ નથી કરી શકતા. આ સિવાય એકલાપણુ, મૂડ બદલાઈ જવા વગેરે પ્રકારની સમસ્યાઓનો પણ શિકાર બને છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.