ગીર ઓલાદના ઉત્તમ પશુઓનું વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન કરાશે: પશુપાલન મંત્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/04/Cow.jpg)
File
Ø ગીર ગાય અભયારણ્યના સંચાલન માટે કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સાથે કરાર કરાયા
Ø પશુપેદાશોનું મુલ્યવર્ધન કરી વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરવાથી પશુપાલકોની આવક વધશે
ગીર ઓલાદની ગાયના વૈજ્ઞાનિક ઢબે ઉછેર અને જતન માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના હેઠળ પોરબંદર જિલ્લાના ગીર ગાય અભયારણ્ય પ્રોજેક્ટ માટે રૂ. આઠ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગીર ગાય અભયારણ્યના સંચાલન માટે ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત પશુધન વિકાસ બોર્ડ વચ્ચે રાજ્યના પશુપાલન મંત્રીશ્રી અને પશુપાલન વિભાગના સચિવશ્રીની ઉપસ્થિતિમાં કરાર (MOA) કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, કામધેનુ યુનિવર્સિટી દ્વારા ગીર ગાય અભયારણ્યમાં ગીર ઓલાદના ઉત્તમ પશુઓનું વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન કરવામાં આવશે. સંવર્ધન થકી પ્રાપ્ત થતા ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા ગીર સાંઢ રાજ્યના પશુપાલકોને ઉપલબ્ધ થઈ શકશે.
આ ઉપરાંત, દુધ, છાણ, મુત્ર વગેરે પશુપેદાશોનું મુલ્યવર્ધન કરી વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. રાજ્યના પશુપાલકોને પશુપાલન માટેની તાલીમ અને નિદર્શનની સુવિધા પણ મળી રહેશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કામધેનુ યુનિવર્સિટી દ્વારા ગીર ગાય અભયારણ્યમાં આધુનિક તકનિકનો ઉપયોગ કરી ગીર ઓલાદ સુધારણાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જેનાથી ગીર ગાયના ઉત્પાદનમાં વધારો થશે.
જેનો લાભ જુનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ વગેરે જિલ્લાઓના પશુપાલકોને મળશે. પોરબંદર જિલ્લાના ધરમપુર ખાતેના આ ગીર ગાય અભયારણ્યમાં ૧૫૦ ગાયો રાખવાની ક્ષમતા ધરાવતા શેડ, ખાણદાણ અને ઘાસચારા સંગ્રહ માટે ગોડાઉન, પાણીની ટાંકી, ઓફીસ બિલ્ડીંગ, સ્ટાફ કવાર્ટર અને કમ્પાઉન્ડ વોલ જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.