ગીર સોમનાથઃ સાવજાેનું મોનસૂન વેકેશન પૂર્ણ થયું
(એજન્સી)અમદાવાદ, ચોમાસાની સિઝન દરમિયાન સિંહોનો સંવનનકાળ હોવાથી ગીર જંગલ સફારી બંધ હોય છે. ગઈ તારીખ ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ચાર મહિનાની ચોમાસાની સિઝન દરમિયાન આ સંફારી બંધ રહી છે. ત્યારે આજથી ૧૬ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ગીર જંગલ સફારી ફરીથી ખુલ્લી મૂકવામાં આવી છે.
વહેલી સવારે સાસણના ડીસીએફ દ્વારા જંગલ સફારીનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં પ્રવાસીઓને પુષ્પગુચ્છ આપીને લીલી ઝંડી આપવામાં આવી હતી. બાદમાં સિંહ દર્શન માટે રવાના કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગીર જંગલ સફારી ચોમાસા દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવી હતી. સિંહોનો સંવનનકાળ હોવાથી જંગલ સફારી બંધ રાખવામાં આવી હતી. એશિયાઈટિક સિંહો દેશ અને ગુજરાતના ગૌરવ છે. ગીર જંગલમાં મુક્ત મને વિહરતા સિંહના દર્શન માટે માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશમાંથી પણ અનેક પ્રવાસીઓ આવતા હોય છે. લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહોના દર્શન માટે આવતા હોય છે.
ગીર જંગલમાં સિંહોની સાથે દીપડા, હરણ, ચિંકારા પણ વિહરતા જાેવા મળે છે. આ વન્ય જીવોના દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદ પડતો હોવાથી તેનો નજારો પણ સોળે કળાએ ખીલી જતી હોય છે. ત્યારે ગીર જંગલ સફારીનો પ્રારંભ થતા પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
બીજી તરફ, આગામી ટૂંક સમયમાં દિવાળીનો તહેવાર પણ શરુ થઈ રહ્યો છે. ગીર જંગલ સફારી ખુલ્લી મૂકાતા જ પહેલા જ દિવસે તમામ ટિકીટો બુક થઈ ગઈ હતી. સાથે જ શનિવાર અને રવિવારની રજા હોવાથી પ્રવાસીઓનો ધસારો જાેવા મળ્યો હતો.
એટલું જ નહીં દિવાળીનું વેકેશન શરુ થતુ હોવાથી રોજની ૩૦ વધારાની પરમિટો કઢાવવામાં આવશે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, દિવાળીની રજાઓને લઈને અત્યારથી જ બુકિંગ હાઉસફૂલ થઈ ગયુ છે. એટલે કે ત્રણ નવેમ્બર સુધીની તમામ પરમિટો બુક થઈ ગઈ છે. વન વિભાગે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે.