Western Times News

Gujarati News

ગીતામૃતમ્‌: શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયનો સાર

શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયનો સાર એ છે કે આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે..એવું માનીને અનન્યભાવથી તેમનું ભજન કરવું જાેઇએ.

પંદરમા અધ્યાયમાં જીવ-જગત અને જગદીશનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે.જીવ પરમાત્માનો અંશ હોવાથી ગુણાતીત હોવાછતાં પણ અનાદિ અજ્ઞાનના કારણે ગુણોના પ્રભાવથી પ્રભાવિત થઇને ગુણોના કાર્યભૂત શરીરમાં તાદાત્મય,મમતા અને કામના કરીને આબદ્ધ થયો છે.શરૂઆતના પાંચ શ્લોકના પ્રકરણમાં ભગવાન સંસારવૃક્ષનું વર્ણન કરીને તેનું છેદન કરવાની આજ્ઞા આપે છે.

જે મહાપુરૂષો આદિપુરૂષ પરમાત્માને શરણે થઇને પરમપદને પ્રાપ્ત થાય છે તેમનાં લક્ષણો બતાવતાં ભગવાને કહ્યું છે કે જેમનાં માન અને મોહ નષ્ટ થઇ ચુક્યાં છે,જેમને આસક્તિરૂપ દોષોને જીતી લીધાં છે,છે,જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે,જેમની સંપૂર્ણ કામનાઓ નાશ પામી ચુકી છે, સુખ-દુઃખરૂપી દ્વંન્દ્વોથી મુક્ત થાય છે તેવા મોહરહિત સાધક ભક્તો તે અવિનાશી પરમપદ (પરમાત્મા) ને પ્રાપ્ત થાય છે.

તે પરમપદને સૂર્ય-ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતાં નથી.આ પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ મારૂં પરમધામ છે.આ સંસારમાં જીવ બનેલો આત્મા મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મનસહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે.

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે એ જ રીતે દેહનો સ્વામી બનેલો જીવાત્મા પણ જે શરીરને છોડે છે ત્યાંથી આ મન સહિત ઇન્દ્રિયોને લઇને પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય છે.આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ શ્રોત્ર-ચક્ષુ અને ત્વચા-રસના અને ઘ્રાણ આ પાંચેય ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.શરીર છોડીને જતા અથવા વિષયોને ભોગવી રહેલા પણ ત્રણેય ગુણોથી યુક્ત જીવાત્માના સ્વરૂપને અજ્ઞાનીજનો જાણતા નથી ફક્ત જ્ઞાની મનુષ્યો જ જાણે છે.

યત્ન કરનારા યોગીજનો પોતાના હ્રદયમાં સ્થિત પરમાત્માતત્વનો અનુભવ કરે છે પરંતુ જેમને પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું નથી એવા અજ્ઞાનીજનો યત્ન કરતા રહેવા છતાં પણ આ તત્વનો અનુભવ કરી શકતા નથી.સૂર્યનું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમા અને અગ્નિમાં છે એને તમે મારૂં જ તેજ જાણો.
ભગવાન કહે છે કે હું જ તમામ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છું

અને મારાથી જ સ્મૃતિ-જ્ઞાન અને સંશય વગેરે દોષોનો નાશ થાય છે.બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું.વેદોના તત્વનો ર્નિણય કરવાવાળો અને વેદોને જાણનાર પણ હું જ છું.આ સંસારમાં ક્ષર અને અક્ષર બે પ્રકારના પુરૂષો છે.તમામ પ્રાણીઓના શરીરો ક્ષર અને જીવાત્મા અક્ષર(અવિનાશી) કહેવાય છે.ઉત્તમ પુરૂષ તો અન્ય છે,જે પરમાત્મા એવા નામથી કહેવાયા છે તે જ અવિનાશી ઇશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશીને બધાનું ભરણપોષણ કરે છે.હું ક્ષરથી અતિત છું અને અક્ષરથી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું. જે મોહરહિત મનુષ્ય મને પુરૂષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ સર્વ રીતે મારૂં જ ભજન કરે છે.આ ઘણું જ ગોપનીય શાસ્ત્ર જે ભગવાને કહ્યું તે જાણીને મનુષ્ય જ્ઞાની તથા કૃતકૃત્ય થઇ જાય છે.

પંદરમા અધ્યાયના અઢારમા શ્લોકમાં ભગવાને પોતાને અપરા(ક્ષર) થી અતિત અને પરા(અક્ષર) થી ઉત્તમ બતાવ્યા છે.આનો અર્થ એ છે કે જ્યાંસુધી સાધક અપરા(સંસાર) અને પરા(પોતે)-બંન્નેની સ્વતંત્ર સત્તા માને છે ત્યાં સુધી ભગવાન અપરાથી અતિત અને પરાથી ઉત્તમ છે પરંતુ જ્યારે તેની માન્યતામાં અપરા અને પરાની સ્વતંત્ર સત્તા રહેતી નથી ત્યારે પરા-અપરા અને ભગવાન ત્રણે એક થઇ જાય છે-વાસુદેવઃ સર્વમ્‌..

પંદરમા અધ્યાયના મધ્યમાં અક્ષર(જીવાત્મા)ના વર્ણનનું તાત્પર્ય એ છે કે જીવની એક બાજુ ક્ષર (સંસાર) છે અને એક તરફ પુરૂષોત્તમ(પરમાત્મા) છે.જીવનો સબંધ પરમાત્મા સાથે છે..મમૈવાંશો જીવલોકે.. કેમકે જેમ પરમાત્મા ચેનત-અવિનાશી અને અપરીવર્તનશીલ છે એ જ પ્રમાણે જીવ પણ ચેનત-અવિનાશી અને અપરીવર્તનશીલ છે.શરીરનો સબંધ સંસાર સાથે છે કેમકે જેમ સંસાર જડ-નાશવાન અને પરીવર્તનશીલ છે એ જ પ્રમાણે શરીર પણ જડ-નાશવાન અને પરીવર્તનશીલ છે.જીવને પરમાત્માથી ક્યારેય જુદો કરી શકાતો નથી અને શરીરને સંસારથી ક્યારેય જુદું કરી શકાતું નથી.

પરમાત્મા તેને કહે છે જે હમણાં છે, બધામાં હોય, બધાનો હોય, સર્વ સમર્થ હોય, પરમ દયાળુ હોય અને અદ્વિતિય હોય. અત્યારે જ ઉપલબ્ધ હોવાના લીધે તેમની પ્રાપ્તિ માટે ભવિષ્યની આશા રાખવી પડતી નથી. બધામાં હોવાથી તે આપણામાં પણ છે તેથી તેમને શોધવા માટે ક્યાંય જવું પડતું નથી. બધાનો હોવાથી તે આપણા પણ છે તેથી તેમનામાં આપમેળે પ્રેમ થશે.સર્વસમર્થ હોવાથી આપણે ભયભીત થવાની જરૂર નથી.

પરમ દયાળુ હોવાથી આપણે નિરાશ નહી થવું પડે.અદ્વિતિય હોવાથી આપણને તેમને ઓળખવાની,તેમનું વર્ણન કરવાની જરૂરત નહી રહે. પરમાત્માની પ્રાપ્તિ ન થવાનું કારણ એ છે કે આપણે તેમની સત્તા મહત્તા(મહિમા) સ્વીકારતા નથી અને તેમને પોતાના માનતા નથી.પરમાત્મા યજ્ઞ દાન તપ તીર્થ વ્રત વગેરે મોટા મોટા પુણ્ય કાર્યો કરવાથી મળતા નથી પરંતુ ભગવાનને પોતાના માનવાથી મળે છે.જીવ ભગવાનનો અંશ છે તેમાં બીજા કોઇનું મિશ્રણ નથી તેથી સિદ્ધ થાય છે કે માત્ર ભગવાનનો જ અંશ હોવાથી આપણો સબંધ ફક્ત ભગવાન સાથે જ છે. -વિનોદભાઇ માછી નિરંકારી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.