ખરતા વાળને આપો વિટામીન ‘ઈ’નો ખોરાક
મહિલાઓના સૌંદર્યમાં તેમના આકર્ષક વાળનો ફાળો બહુ મોટો હોય છે. લાંબા, કાળા, સુંવાળા કેશ ધરાવતી માનુની ખાસ કોઈ મેકઅપ કે હેરસ્ટાઈલ ન કરે, સાવ સાદા વસ્ત્રો પહેરે તોય લોકોનું ધ્યાન તેના તરફ અચૂક આકર્ષાય. આ કારણે જ પામેલાઓ પોતાના વાળને સુંદર બનાવવા કંઈકેટલાય પ્રયોગો કરતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વિટામીન ઈ કેશનો જથ્થો વધારીને તે સુંવાળા રાખવામાં કેટલી મદદ કરે છે?
સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે વાળને સ્વસ્થ રાખવામાં એન્ટિઓક્સિડંટ મહત્વની ભૂમિકા ભજવે છે. વિટામીન ઈ કુદરતી એન્ટિઓક્ટિડંટ છે. અને એન્ટિઓક્સિડંટ મુક્ત કણો સામે લડીને તેના દ્વારા કેશને થતી હાનિને રોકે છે. વળી વિટામીન ઈ રક્તપરિભ્રમણ ઝડપી બનાવે છે, માથામાં કોલેજના ઉત્પન્ન કરવામાં સહાય કરે છે, હેરસ્ટાઈલ કરતી વખતે ઉપયોગમાં લેવાતા હીટ-સ્ટાઈલિંગ ઉત્પાદનોથી વાળને થતાં નુકસાનમાં ઘટાડો કરે છે, કેશના બાહ્ય પડની સુરક્ષા પણ કરે છે.
અલબત્ત વિટામીન ઈની ટ્રીટમેન્ટ માટે કેટલો ખર્ચ કરવો પડશે તેની ચિંતા કરવાની બિલકુલ આવશ્યકતા નથી. તમે કેટલાંક ઘરેલુ ઉપાયોથી જ વાળને વિટામીન ઈનો ખોરાક આપીને સુંવાળા, ચમકદાર, લાંબા બનાવી શકો છો. નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે.
કોપરેલ તેલ ઃ વાળમાં કોપરેલ તેલ લગાવવાની પરંપરા નવી નથી. કોપરેલ તેલ આસાનીથી વાળના મૂળ સુધી પહોંચી શક્તું હોવાથી આ તેલથી માથામાં મસાજ કરવાથી તેમાં રહેલું વિટામીન ઈ સીધું જ વાળને મળી રહે છે. જાે કે તેનો વધુ લાભ લેવો હોય તો બે ટેબલસ્પૂન કોપરેલ તેલમાં ચારથી પાંચ ટીપાં ટી ટ્રી ઓઈલ નાંખો. હવે તેને હુંફાળુ ગરમ કરીને વાળના મૂળમાં લગાવી પાંચેક મિનિટ મસાજ કરો. ત્યારે પછી એક ટુવાલને ગરમ પાણીમાં ડુબાડીને નીચોવી લો. આ ટુવાલ માથા પર ૧૦થી ૧૫ મિનિટ માટે બાંધી દો. ત્યાર બાદ શેમ્પૂ વડે ધોઈ લો. જાેકે શેમ્પૂમાં સલ્ફેટ ન હોય એ વાતની ખાસ કાળજી લો.
લીમડો ઃ વાળ ખરવાનું અને પાંખા થવાનું એક સામાન્ય કારણ છે ખોડો, માથામાં થતો ખોડો વાળનો વિકાસ રુંધી નાંખે છે. પરંતુ લીમડાનો ઉપયોગ આ સમસ્યામાંથી મુક્તિ આપે છે. લીમડામાં માત્ર વિટામીન ઈ જ પ્રચૂર પ્રમાણમાં નથી હોતું, બલ્કે તેમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો ઉપરાંત તેમાં રહેલં એન્ટિઓક્ટિડંટ ખોડો દૂર કરવામાં મદદ કરે છે.
આને માટે લીમડો સુકવીને દળી રાખો. હવે આ દળેલા લીમડાને પાણીમાં નાંખીને એવી પેસ્ટ બનાવો જે વાળમાં લગાડવાની ફાવે. આ પેસ્ટ કેશના મૂળમાં લગાડીને અડધો કડાક રહેવા દો. ત્યાર પછી વાળ હળવા શેમ્પૂ વડે ધોઈને કંડિશન કરી લો.
એવોકેડો ઃ એવોકેડોમાં વિટામીન ઈ ઉપરાંત વાળને પોષણ આપીને મજબૂત બનાવતું બાયોટીન પણ હોય છે. તત્વો વાળ ખરતાં રોકવામાં મદદ કરે છે. આ પ્રયોગ માટે એક સારી રીતે પાકેલું એવોકેડો લો. હવે તેની અંદર રહેલા ગર એક બાઉલમાં કાઢીને સારી રીતે મસળી લો. તેમાં બે ટેબલસ્પૂન કોપરેલ તેલ મેળવો. આ મિશ્રણ વાળના મૂળમાં લગાવીને શાવર કેપ પહેરી લો.
અડધા કલાક પછી સાદા પાણી વડે એવોકેડો દૂર કરીને વાળ હળવા શેમ્પૂથી ધોઈ લો. આલ્મંડ ઓઈલ ઃ જાે તમારા વાળ અત્યંત શુષ્ક હોય, માથાને અડતાં જ સાવ સુકું સુકું લાગતું હોય તો બદામનું તેલ જાદુઈ અસર બતાવશે. બદામના તેલમાં વિટામીન ઈ ઉપરાંત વાળને અને માથાને ભીનાશ બક્ષતા તત્વો સમાયેલા હોવાથી તે વાળને મૂળને પોષણ આપે છે.
આ પ્રયોગ માટે બે ટેબલસ્પૂન આલ્મંડ ઓઈલમાં એકટેબલસ્પૂન જાેજાેબા ઓઈલ ભેળવો. હવે તેને માથામાં સારી રીતે ફેલાય એ રીતે હળવા હાથે ઘસો. અડધા કલાક પછી હળવા શેમ્પૂ વડે વાળ ધોઈ લો. નિયમિત રીતે આ નુસખો અજમાવતાં રહેવાથી માથા અને વાળની શુુષ્કતા દૂર થશે અને કેશ લાંબા, મુલાયમ બનશે.