GLSના વિદ્યાર્થીઓને સામાજિક જવાબદારી વિશે સંવેદનશીલ બનાવવા શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાતે લઈ જવાયા

‘પ્રયાસઃ ચેરિટી વિથ સ્માઈલ’ પ્રોજેક્ટના ભાગરૂપે, 15મી ફેબ્રુઆરી, 2025ના રોજ અધ્યાપકો સાથે લગભગ 25 વિદ્યાર્થીઓએ કાસિન્દ્રા ગામ નજીક શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલ સમાજ સેવાનું ઉત્ક્રુશ્ઠ ઉદાહરણ છે.
આજે જ્યારે હેલ્થકેર એક ઉદ્યોગ બની ગયો છે અને તે સંપૂર્ણ રીતે વ્યવસાયિક દ્રષ્ટિએ કાર્ય કરે છે, ત્યારે સારી હોસ્પિટલમાં સારી ગુણવત્તાની સારવાર સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગઈ છે. સામાન્ય લોકો બીમારીથી માત્ર શારીરિક વેદના ના લીધે જ નથી ડરતા પરંતુ તેમના ડરનું કારણ તેમની આર્થિક સ્થિતિને પહોંચતું ગંભીર નુકસાન પણ છે.
સારા મૂલ્યો કેળવવા અને સામાજિક રીતે જવાબદાર અને સંવેદનશીલ નાગરિકો તૈયાર કરવાના મિશન માટે પ્રતિબદ્ધ GLS-FOC વિદ્યાર્થીઓને વિવિધ ચેરિટી પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે પ્રેરિત કરે છે. શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ હૃદયની બિમારીઓ ધરાવતાં બાળ દર્દીઓને તેમના પ્રદેશ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના, સદંતર વિના મૂલ્યે સારવાર આપે છે.
અમદાવાદ નજીક આવેલી આ હોસ્પિટલ ખાસ કરીને હળવાથી ગંભીર હૃદયની બિમારીઓના બાળ દર્દીઓ માટે વિશ્વસ્તરીય સારવાર માટે સમર્પિત છે. દેશભરના બાળ દર્દીઓને માત્ર મફત સારવાર જ નહીં પરંતુ તેઓના માતા-પિતાને પણ મફત રહેવા તથા ભોજનની સગવડ પુરી પડાય છે.
GLS-FOC ના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી ફાળો આપ્યો અને આ બાળ દર્દીઓ માટે રમકડાં, સ્ટેશનરી અને અન્ય ઉપયોગી વસ્તુઓ ધરાવતા 80 થી વધુ હેમ્પર તૈયાર કરીને તેઓને આપ્યા હતા.
આ પ્રસંગે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડો. મનોજ ભીમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે પ્રેરક વિચારો શેર કર્યા હતા. વિદ્યાર્થીઓ કેશ કાઉન્ટર વિનાની આ અનોખી હોસ્પિટલની મુલાકાત લઈને જ માત્ર અભિભૂત થયા નહીં
પરંતુ ડૉ. ભીમાણી અને હોસ્પિટલના સમગ્ર સ્ટાફના નમ્ર વલણથી પણ તેઓ પ્રભાવિત થયા જેમણે તેમને ખૂબ જ હકારાત્મકતા અને ધીરજ સાથે બધું સમજાવ્યું હતું. આ એક એવો અનુભવ હતો જેણે વિદ્યાર્થીઓના જીવનમાં ખરેખર મૂલ્ય વર્ધન કર્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટને પાર પાડવામાં ડૉ.કેયુર વ્હોરા, ડૉ.બિમલ સોલંકી, ડૉ.ભાવિન ભટ્ટ, ડૉ.હાર્દ પટેલ તથા ડૉ.ભાવિક ભટ્ટ નો સકિર્ય ફાળો રહ્યો હતો.