GLS યુનિવર્સિટી ખાતે માર્ગ સલામતી અને સુરક્ષા સંબંધિત સેમિનારનું આયોજન કરાયું
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત જી.એલ.એસ યુનિવર્સિટી ખાતે માર્ગ સલામતી અને સુરક્ષા સંબંધિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી જે.જે પટેલ (ઍડિશનલ કલેક્ટર આર.ટી.ઓ), શ્રી અમિત ખત્રી (રોડ સેફટી મેમ્બર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા- ગુજરાત), શ્રી સી.આઈ મેહરા (ઈન્સ્પેક્ટર આર.ટી.ઓ અને રોડ સેફટી નોડલ ઑફિસર), ડી.સી.પી શ્રી નીતા દેસાઈ, પોલીસ ઈન્સ્પેક્ટર, ટ્રાફિક બી ડિવિઝન, એલિસબ્રિજ, અમદાવાદ અને એ.સી.પી શ્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને રોડ સુરક્ષા અને સલામતી અંગે માહિતગાર કર્યા હતા.
શ્રી અમિત ખત્રીએ ટ્રાફિક સલામતી સંબંધિત મુદ્દાઓને આવરી લઈને યુથને ટ્રાફિકના સુચારુ સંચાલનમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો. શ્રી જે.જે પટેલે ટ્રાફિક ફેટાલિટીસની આંકડાકીય માહિતી પૂરી પાડીને માર્ગ અકસ્માતોથી બચવા માટે જરૂરી સૂચનો કર્યાં હતા.
શ્રી નીતા દેસાઈએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોને સ્વજીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. જી.એલ.એસ યુનિવર્સીટીના સ્ટુડન્ટ્સ વેલફેરના ડીન શ્રી અશ્વિન પુરોહિતે આ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, તેમની યુનિવર્સિટી અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસ પર ભાર મૂકીને આવા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૧,૭૦,૦૦૦ વ્યક્તિઓ રોડ અકસ્માતમાં અવસાન પામે છે, જેમાં મોટા ભાગના યુવાનો હોય છે, જેમનું મૃત્યુ બાઈક પર હેલમેટ ન પહેરવાના કારણે થાય છે. કાર્યક્રમનાં અંતે શ્રી જગદીશ ઝૂલાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી.
ગુજરાત રોડ સેફટી અથોરીટી (જી.આર.એસ.એ.), ગુજરાત મોટર વેહીકલ્સ ડિપાર્ટમેન્ટ (જી.એમ.વી.ડી.), સ્ટુડેંટ્સ વેલ્ફેર (એન.એસ.એસ), જી.એલ.એસ યુનિવર્સિટી અને ફેકલ્ટી ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના સંયુક્ત ઉપક્રમે ‘ધીરજ, સુરક્ષા, સલામતી અને ખંત, લાવશે માર્ગ અકસ્માતોનો અંત‘ વિષય પર ‘રોડ સેફટી સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.