Western Times News

Gujarati News

GMDC ધન્વંતરી હોસ્પિટલ બહાર ભારે અરાજતાનો માહોલ

વૃધ્ધાને એડમિટ કરવા રિક્ષામાં લવાતા અંદર પ્રવેશ ન અપાતાં મામલો વધુ બિચક્યો, પોલીસની સાથે ઘર્ષણ

અમદાવાદ,  જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યરત કરાયેલી ૯૦૦ બેડની ધન્વંતરી હોસ્પિટલ બહાર અરાજકતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગઈકાલ સુધી આ હોસ્પિટલમાં માત્ર ૧૦૮ દ્વારા લવાતા દર્દીઓને જ એડમિટ કરાશે તેવા નિયમ સામે લોકોમાં રોષ હતો.

જાેકે, આજથી ૧૦૮ વિના પણ દર્દીઓને એડમિટ કરવાનું શરુ કરાશે તેવી જાહેરાત કરી ટોકન વહેંચવાનું શરુ કરાયું હતું. ટોકન મેળવવા માટે સવારથી જ લોકોએ લાંબી લાઈનો લગાવી હતી. પબ્લિકનો આક્ષેપ હતો કે થોડા સમય માટે જ ટોકન વિતરણ કરાઈ તેને બંધ કરી દેવાયું હતું.

આજે સવારે એક ૭૦ વર્ષીય વૃદ્ધાને આ હોસ્પટિલમાં એડમિટ કરાવવા માટે રિક્ષામાં લવાયા હતા. વૃદ્ધાને ઓક્સિજન સપોર્ટની જરુર હતી, પરંતુ તેમને અંદર ના જવા દેતા તેમના પરિવારજનોએ જાેરદાર હંગામો મચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે બેરિકેટ્‌સ ગોઠવી દઈને લોકોને હોસ્પિટલની અંદર જતાં અટકાવ્યા હતા. તેવામાં વૃદ્ધાને લઈને આવેલી રિક્ષાને પણ અંદર ના જવા દેવાતા મામલો બિચક્યો હતો.

વૃદ્ધાના પરિવારજનોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી, એટલું જ નહીં રિક્ષાને પણ બેરિકેટ સાથે અથડાવીને હોસ્પિટલની અંદર ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટોકન માટે લાઈનમાં ઉભા રહેલા લોકોએ કામકાજ ખૂબ જ ધીમે ચાલતું હોવાની ફરિયાદ પણ કરી હતી. ટીવી રિપોર્ટ્‌સ અનુસાર, ઓક્સિજનનું લેવલ ભયનજક રીતે ઘટી ગયું હોય તેવા દર્દીઓને લઈને આવેલા લોકોને પણ લાઈનમાં ઉભા રહેવાનું કહેવાતા પણ લોકોમાં જાેરદાર રોષ ફેલાયો હતો.

હોસ્પિટલમાં એડમિટ એક દર્દી માટે ડાયપર અને ચપ્પલ લઈને આવેલા એક શખ્સે જણાવ્યું હતું કે પેશન્ટના આખા પરિવારને કોરોના છે. દર્દીને પણ ખૂબ જ અશક્તિ હોવાથી તેઓ જાતે પેશાબ કરવા પણ જઈ શકે તેમ નથી. તેઓ તેમને ડાયપર અને ચપ્પલ પહોંચાડવા આવ્યા છે, પરંતુ તેમને હોસ્પિટલમાં જવામાં નથી દેવાઈ રહ્યા.

પોતાના કોવિડ પોઝિટિવ પિતાને કારમાં લઈને આવેલા એક યુવકે જણાવ્યું હતું કે તેમનું ઓક્સિજન લેવલ ૮૦ થઈ ગયું હોવા છતાંય તેમને લાઈનમાં ઉભા કહેવાઈ રહ્યું છે. તેમનો નંબર આવશે ત્યાં સુધીમાં તો ખબર નહીં પેશન્ટની શું હાલત થશે.
જીએમડીસી ગ્રાઉન્ડ પર બનાવાયેલી ધન્વંતરી હોસ્પિટલમાં ૯૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે.

તેનો પ્રારંભ ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ કરાવ્યો હતો. જાેકે, વિશાળ કેપેસિટી ધરાવતી આ હોસ્પિટલ શરુ થયાના લાંબા સમય બાદ પણ ફુલ કેપેસિટીએ ચાલુ ના થતાં વિવાદનું કેન્દ્ર બની છે. હોસ્પિટલને ખૂલ્લી મૂકાયાના બીજા દિવસે જ ૧૦૮ તેમજ પ્રાઈવેટ વાહનોમાં અહીં પેશન્ટને લવાયા હતા, પરંતુ હોસ્પિટલ હજુ ચાલુ નથી થઈ તેમ કહી તેમને રવાના કરી દેવાયા હતા. તેના બીજા દિવસે હોસ્પિટલ ચાલુ તો થઈ હતી, પરંતુ ૧૦૮માં આવતા દર્દીઓને જ એડમિશન આપવાનો નિયમ બનાવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.