GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે યુનિવર્સિટીના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રીઓ એનાયત કરાઈ
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -GNLU, ગાંધીનગર ખાતે ૧૫મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે UG ૨૦૧૯-૨૪ અને PG ૨૦૨૩-૨૦૨૪ની બેચના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
જેમાંથી ૧૬ પીએચ.ડી. વિદ્વાનો, ૮૫ એલએલ.એમ. અનુસ્નાતકો; ગાંધીનગર કેમ્પસના ૬૭ અને સિલવાસા કેમ્પસના ૧૮ વિદ્યાર્થીઓ તેમજ અંડરગ્રેજ્યુએટ એલએલ.બી. (ઓનર્સ) પ્રોગ્રામના ૧૮૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દીક્ષાંત સમારોહના ભાગરૂપે કાયદાકીય શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી વિદ્યાર્થીઓના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન અને યોગદાનને બિરદાવવા અંડરગ્રેજ્યુએટ (UG) અને અનુસ્નાતક (PG) કાર્યક્રમોના કુલ ૩૮ સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ ૨૦૨૫માં પાંચ નવી સુવર્ણ ચંદ્રક શ્રેણીઓ ઉમેરવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી શૈક્ષણિક વ્યાપ વધુ વિસ્તૃત કરશે. આ ઉપરાંત, સહાયની સાથે પ્રોત્સાહન પૂરું પાડવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના ૨૩ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્યુશન ફી વળતરના રૂપમાં ૩૫ GNLU શિષ્યવૃત્તિઓ પણ એનાયત કરવામાં આવી છે.
આ દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા એમ. ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પડતા જણાવ્યું હતું કે, ‘કાયદાનો અભ્યાસ ડિગ્રીઓ સાથે પૂર્ણ નથી થતો. આપની ડિગ્રી કોઈ અંતિમ રેખા નહીં પરંતુ આપના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે આપ આપનાં કાર્યો પ્રત્યે પ્રામાણિકતા રાખશો.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘શોર્ટકટ ખૂબ ફળદાયી લાગશે અને તેનું દબાણ તમારી માન્યતાઓને પડકારી શકે છે પરંતુ આવા સમયે તમારી પ્રામાણિકતા ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.’
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના જજ શ્રી અરવિંદ કુમાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ‘આપ સૌ ભવિષ્યમાં કોર્ટરૂમ, બોર્ડરૂમમાં પ્રવેશ કરશો ત્યારે આ ફક્ત આપનું દીક્ષાંત સમારંભ નહીં પરંતુ ભવિષ્યમાં ન્યાયના રક્ષક બની સત્યની સેવા કરવાનું અવસર પ્રદાન કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દુનિયાને માત્ર તેજસ્વી નહીં પરંતુ નૈતિક વકીલોની જરૂર છે.
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રો. (ડૉ.) એસ. શાંતાકુમારએ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ જાહેર કરતા સ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમારોહમાં GNLUના રજિસ્ટ્રાર ડૉ. નીતિન મલિક સહિત ન્યાયાધીશ શ્રી સી. કે. ઠક્કર, ભૂતપૂર્વ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા પૂર્વ જજ શ્રી આર. વેંકટરામણી, ભારતના લેફ્ટનન્ટ એટર્ની જનરલ, શ્રી ન્યાયાધીશ ઈલેશ જશવંતરાય વોરા, ગુજરાત હાઇકોર્ટ, શ્રી કમલ બી. ત્રિવેદી, લેફ્ટનન્ટ એડવોકેટ જનરલ, ગુજરાત રાજ્ય,
ગુજરાત હાઇકોર્ટ, શ્રી જ્યોતિન્દ્ર જેઠાલાલ પટેલ, અધ્યક્ષ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, શ્રી પી. એમ. રાવલ સચિવ અને આર.એલ.એ., કાનૂની વિભાગ, ગુજરાત સરકાર, શ્રીમતી ધર્મિષ્ઠા રાવલ, એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ, શ્રીમતી મનીષા લવકુમાર શાહ સિનિયર એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ શ્રી અસીમ પંડ્યા સિનિયર એડવોકેટ,
ગુજરાત હાઇકોર્ટ, પ્રો. (ડૉ.) આર. વેંકટ રાવ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી, બેંગ્લોર સહિત એકેડેમિક કાઉન્સિલના સભ્યો, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓના પરિવારજનો હાજર રહ્યા હતા.