Western Times News

Gujarati News

GNLUનો વ્યાપ વધારાશેઃ રાજ્ય બહાર કેમ્પસ સ્થાપી શકાશે

GNLUનો વ્યાપ વધારવા તેના નિયંત્રણ હેઠળનું રાજય અને રાજય બહાર વધારાનું કેમ્પસ સ્થાપી શકશે: કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી

કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જી.એન.એલ.યુ) હવે તેનો વ્યાપ વધારવા તેના નિયંત્રણ હેઠળનું રાજય અને રાજય બહાર વધારાનું કેમ્પસ સ્થાપી શકશે જી.એન.એલ.યુ.ના નિયંત્રણ હેઠળની જનરલ કાઉન્સિલને આવા વધારાના કેમ્પસમાં નિયમન, વહીવટ અને લૉ સંચાલન કરવાની તમામ સત્તા રહેશે.

મંત્રી શ્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારથી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૩થી  ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)ની  સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિવર્સિટી ભારતમાં કાયદાકીય સંશોધનની અગ્રેસર સંસ્થા તરીકે સ્થાપિત થયેલી છે

અને છેલ્લા બે દાયકામાં સમગ્ર ભારતમાંથી આવેલા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત કાયદાકીય શિક્ષણ આપવામાં સફળ રહી છે. આ નેશનલ લૉ યુનિવર્સિટી વિદ્યાર્થી, વિદ્યાશાખા (ફેકલ્ટી) અને સંશોધન કાર્ય સંબંધિત ભારતની સૌથી મોટી નેશનલ લૉ યુનિવર્સિટી છે.

મંત્રી શ્રી ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર સમાજની પ્રગતિ માટે કાયદાકીય શિક્ષણ આપવાના મહત્ત્વને માને છે અને દેશના યુવાનોમાં રોજગારી ઊભી કરવાની તક તરીકે વકીલાતનાં કૌશલ્યો મેળવવા માટે પ્રોત્સાહન પણ આપે છે.

નાગરિકો પોતાના હકો અને ફરજોથી માહિતગાર હોય તેવો સમાજ ઊભો કરવાના હેતુથી દેશના તમામ નાગરિકોને પરવડે તેવા અને સહેલાઈથી મેળવી શકાય તેવા ગુણવત્તાયુક્ત કાયદાકીય શિક્ષણને પ્રોત્સાહન આપવા પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૩માં ગુજરાત રાજ્યની બહાર કેમ્પસ ઊભું કરવાની સત્તા આપતી કોઇ જોગવાઈ ન હોવાથી આ અધિનિયમની કલમ-૩માં સુધારો કરવો જરૂરી હતો. જેથી કરીને ગુજરાત રાજ્યની અંદર અથવા બહાર આવેલાં સ્થળોએ વધારાના કેમ્પસ સ્થાપી શકાય. ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી(સુધારા) વિધેયક, ૨૦૨૨ સર્વાનુમતે પસાર કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.