Western Times News

Gujarati News

‘કચરામાંથી કંચન’ – આ ઉક્તિને સાર્થક કરતી ગોબરધન યોજનાના અમલમાં સાણંદ તાલુકાએ હાંસલ કર્યું પરિણામ

સાફલ્યગાથાઃ ગોબરધન યોજનાની 100 ટકા લક્ષ્યસિદ્ધિ

યોજના હેઠળ પસંદ કરાયેલાં 6 ગામોના 200 લાભાર્થીઓને 74 લાખથી વધુની સબસિડીનો લાભ આપી ઈન્સ્ટોલ કરાવાયા ગોબર ગેસ પ્લાન્ટ

ગોબરધન યોજનાએ ખેડૂતોને આર્થિક બચતનો વિકલ્પ આપવાની સાથોસાથ પરિવારની મહિલાઓને સુસ્વાસ્થ્યની ભેટ પણ આપી: જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે

વૈજ્ઞાનિક પદ્ધતિથી છાણના નિકાલની સાથોસાથ ખાતર અને ગેસ મળતાં ખેડૂતોને બમણો ફાયદો, મહિલાઓના સ્વાસ્થ્ય માટે સાનુકૂળ

કેન્દ્ર સરકારની સૌથી અસરકારક યોજનાઓ પૈકી એક સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના ફેઝ 2 અંતર્ગત આવતી ગોબરધન યોજનાના અમલમાં સાણંદ તાલુકા પંચાયતે 100 ટકા લક્ષ્યસિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યભરમાં અમલી આ યોજના હેઠળ જિલ્લા પ્રમાણે એક તાલુકો પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ જિલ્લામાંથી સાણંદ તાલુકાની પસંદગી કરવામાં આવી હતી.

યોજનાના આયોજન અને અમલીકરણ પર પ્રકાશ પાડતા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે જણાવે છે કે, ગોબરધન યોજનાની તબક્કાવાર અમલવારી બાદ કુલ 200 લાભાર્થીઓના ઘરે માત્ર 5 હજારનો લોકફાળો અને 32 હજારની યોજનાકીય સહાયથી ગોબરગેસ કિટ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. આ યોજનાએ ખેડૂતોને આર્થિક બચતનો વિકલ્પ આપવાની સાથોસાથ પરિવારની મહિલાઓને સુસ્વાસ્થ્યની ભેટ પણ આપી છે.

ગોબરધન યોજનાની અમલવારી માટે સાણંદ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી સપના રાજપૂત દ્વારા તલસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત દ્વારા તાલુકાનાં છ ગામો વસોદરા, જુડા, લેખંબા, ખીંચા, બકરાણા અને વિરોચનનગરના 200 લાભાર્થીઓની અરજી સ્વીકારવામાં આવી હતી.

નિયમો અનુસાર પ્રત્યેક લાભાર્થીએ રૂપિયા 5000નો લોકફાળો NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ)ના નામે ભરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રત્યેક અરજીકર્તા દીઠ 32 હજારની યોજનાકીય સહાય લેખે 74 લાખથી વધુની સબસિડી આપવામાં આવી છે.  મનરેગા યોજનાના માધ્યમથી ગોબરધન યોજના માટેના કૂવા બનાવવાનું કામ કરવામાં આવ્યું.

કૂવાનું કામ પૂર્ણ થયા બાદ NDDB દ્વારા 200 લાભાર્થીઓને કિટનું તબક્કાવાર વિતરણ કરવામાં આવ્યું હતું. NDDB ખાસ ટીમો દ્વારા 6 ગામોમાં તમામ પ્લાન્ટ્સનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. આમ, નિર્ધારિત સમયમાં પ્લાન્ટ્સ ઈન્સ્ટોલેશનનું નિર્ધારિત લક્ષ્ય પાર પાડવામાં સફળતા મળી છે.

ગોબરગેસ પ્લાન્ટ્સ કાર્યરત થવાને કારણે ગ્રામીણ વિસ્તારના પરિવારોને અગણિત ફાયદાઓ થયા છે. ખેડૂતોને બાયોગેસ પ્લાન્ટ્સમાંથી ઉત્પન્ન થતી સ્લરી રૂપે ઉત્તમ સેન્દ્રીય ખાતર મળે છે. કારણ કે તે એનપીકે અને સૂક્ષ્મ પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે. સાથોસાથ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલા ગેસનો ઉપયોગ કરવાથી આર્થિક બચત પણ થઈ રહી છે.

પરિવારની મહિલાઓને બળતણના લાકડા કાપવા, ચુલો સળગાવવા માટે ફૂંકો મારવી, રસોઈ બનાવવા માટે ધુમાડા વચ્ચે બેસી રહેવા સહિતની મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળી છે. આ ઉપરાંત સવચ્છતા રહેવાને કારણે સરવાળે આખા પરિવારનું સ્વાસ્થ્ય સુધરે છે.

‘કચરામાંથી કંચન’નું સાકાર સ્વરૂપ એટલે ગોબરધન યોજના

ગોબર ધન યોજનાનું પૂરું નામ ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન  યોજના છે. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા વધારવાનો અને પશુનિર્મિત અને જૈવિક કચરામાંથી સંપત્તિ અને ઊર્જા ઉત્પન્ન કરવાનો છે.

આ યોજના દ્વારા ઉત્પન્ન થતા ગેસના ઉપયોગથી ગ્રામીણ મહિલાઓને લાકડા સળગાવી રસોઈ કરવાને કારણે સ્વાસ્થ્યને થતા નુકસાનથી બચાવવાનો છે. હાલ આ યોજના પ્રાથમિક તબક્કામાં લાગુ કરાઈ છે. જેને ભવિષ્યમાં દેશના દરેક ગામડા સુધી પહોંચાડી ગ્રામીણ નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન જીવવામાં મદદરૂપ થવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારનો નિર્ધાર છે. – વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.